શસ્ત્રોની આયાત ઘટાડવા 928 ડિફેન્સ આઇટમની આયાત પર પ્રતિબંધ

0
131

કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે વધુ એક મહત્ત્વનું પગલું ભર્યું છે. મંત્રાલયે માત્ર ઘરેલુ સંરક્ષણ ઉદ્યોગ પાસેથી ખરીદી શકાય તેવા મિલિટરી કમ્પોનન્ટ અને સબસિસ્ટમની ચોથી યાદીને મંજૂરી આપી છે. તેમાં 928 આઇટમનો સમાવેશ કરાયો છે. તેના પર તબક્કાવાર ધોરણે આગામી સાડા પાંચ વર્ષ માટે આયાત પ્રતિબંધ અમલી બનશે.

મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે સંરક્ષણ ઉત્પાદનમાં ‘આત્મનિર્ભરતા’ને પ્રોત્સાહન આપવાની યોજના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વદેશી ઉદ્યોગ પાસેથી ખરીદીને પ્રોત્સાહન આપવા માટેનું આ ચોથી “પોઝિટિવ ઈન્ડિજનાઇઝેશન લિસ્ટ (PIL)” છે. આ યાદીમાં વિવિધ મિલિટરી પ્લેટફોર્મ, ઇક્વિપમેન્ટ્સ અને શસ્ત્રો માટે ઉપયોગ થતાં લાઇન રિપ્લેસમેન્ટ યુનિટ્સ, પેટા-સિસ્ટમ્સ અને કમ્પોનન્ટનો સમાવેશ થાય છે.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભારતને પ્રોત્સાહન આપવા અને આયાત ઘટાડવા માટે સંરક્ષણ મંત્રાલયે વ્યૂહાત્મક રીતે-મહત્વના 928 લાઇન રિપ્લેસમેન્ટ યુનિટ્સ/સબ-સિસ્ટમ્સ/સ્પેર અને ઘટકો સહિતની ચોથા પોઝિટિવ ઈન્ડિજનાઇઝેશન લિસ્ટ (PIL)ને મંજૂરી આપી છે. તેનાથી ~715 કરોડના લશ્કરી સાધનોની આયાત કરાશે નહીં અને ઘરેલુ ઉદ્યોગો પાસેથી ખરીદી કરી શકાશે.

અગાઉ ડિસેમ્બર 2021, માર્ચ 2022 અને ઓગસ્ટ 2022માં આવી ત્રણ યાદી જાહેર કરાઈ હતી. આ યાદીઓમાં સ્વદેશીકરણ થયું હોય તેવી 2,500 આઇટમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નિર્ધારિત સમયગાળામાં વધુ 1,238 આઇટમનું સ્વદેશીકરણ કરાશે. 1,248 આઇટમમાંથી 310નું સ્વદેશીકરણ થઈ ચુક્યું છે. જાહેર સાહસો એમએસએમઇ અને ખાનગી ઉદ્યોગની ક્ષમતા મારફત ઇનહાઉસ ડેવલપમેન્ટ અને મેઇક કેટેગરી હેઠળ વિવિધ રૂટ મારફત આ આઇટમનું સ્વદેશીકરણ હાથ ધરશે. તેનાથી અર્થતંત્રની વૃદ્ધિ વેગ મળશે તથા ડિફેન્સ ક્ષેત્રમાં રોકાણમાં વધારો થશે. આ ઉપરાંત જાહેર સાહસોની આયાત નિર્ભરતા ઘટશે.