વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 52 વર્ષની ઉંમરના કોરોના પોઝિટિવ દર્દીનું આજે વહેલી સવારે મૃત્યુ થયું હતું. શ્રીલંકાનો પ્રવાસ કરીને આવેલા આ વ્યક્તિને 16 માર્ચે શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાવાના શરૂ થયા હતા અને તેઓ 19 માર્ચના રોજ સારવાર માટે દાખલ થયા પછી એમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને સારવાર આપવામાં આવી રહી હતી. તેમના પછી તેમના પરિવારના 4 સભ્યોનો પણ કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને પણ સયાજી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી.