ગુજરાતમાં હાલ સરકારી તથા ખાનગી તબીબોની એક સંયુક્ત ટીમ નવા સંશોધન સાથે એક પ્રયોગ કરવા માગે છે. જેમાં અત્યાર સુધીમાં સાજા થઈને ગયેલા કુલ 86 દર્દીઓના લોહીમાંથી પ્લાઝ્મા છૂટા પાડી તેને હાલ વેન્ટિલેટર પર રહેલા કે ગંભીર ચેપ ધરાવતા દર્દીઓને ચઢાવવામાં આવે તો તે પણ ઝડપથી સાજા થઈ શકે છે. આ પ્રયોગ માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી હર્ષવર્ધનને અનુમતિ માટે રજૂઆત કરી છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, અમદાવાદના ડો. કમલેશ ઉપાધ્યાય આ અંગે હાલ કામ કરી રહ્યા છે અને તેમાં ડો. આર કે પટેલ, ડો અતુલ પટેલ અને અન્ય તબીબો સાથે મળીને કામ કરી રહ્યા છે અને તેના ખૂબ સારા પરિણામો મળી શકશે. કેન્દ્ર સરકાર અનુમતિ આપી દે પછી તેની શરૂઆત કરાશે.