કુપોષિત બાળકોના પોષણક્ષમ આહારની બે યોજના બંધ થઈ..

0
228

રાજ્ય સરકારે આર્થિક ભારણ ઓછું કરવા માટે તાજેતરના બજેટમાં અનેક યોજનાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો હવે આ યોજનાઓ સત્તાવાર બંધ કરવાની વહીવટી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે. બાળકો અને કિશોરીઓમાં કુપોષણ દૂર કરવાની મહિલા અને બાળવિકાસ વિભાગની બે યોજનાઓ પણ બંધ કરવામાં આવી છે.ઘનિષ્ઠ પોષણ અભિયાન અને ત્રીજી ભોજન યોજના 1લી એપ્રિલ 2023થી બંધ કરવાનો નિર્ણય મહિલા અને બાળ વિકાસ વિભાગે કર્યો છે. વિભાગે આ અંગે જારી કરેલા ઠરાવમાં જણાવ્યા પ્રમાણે ઘનિષ્ઠ પોષણ અભિયાન અને ત્રીજી ભોજન યોજના હાલ અમલમાં નથી. ઘનિષ્ઠ પોષણ અભિયાનમાં વર્ષ 2018-19થી અને ત્રીજી ભોજન યોજના માટે વર્ષ 2020-21થી માત્ર ટોકન જોગવાઇ કરવામાં આવે છે. હાલ 6 માસથી 3 વર્ષ સુધીના બાળકો, 3 વર્ષથી 6 વર્ષ સુધીના ઓછા વજનવાળા બાળકોને બાલશક્તિ યોજના હેઠળ તેમજ સગર્ભા, ધાત્રી માતાઓને માતૃશક્તિ યોજના હેઠળ અને કિશોરીઓને પૂર્ણક્તિ યોજના હેઠળ પોષક તત્ત્વો યુક્ત પેકેટ્સ ટેકહોમ રાશન તરીકે આપવામાં આવે છે.3થી 6 વર્ષના બાળકો માટે ગરમ નાસ્તો બનાવવા માટે તમામ આંગણવાડી કેન્દ્રોમાં ફોર્ટીફાઇડ આટા, ફોર્ટીફાઇડ ચોખા તેમજ ફોર્ટીફાઇડ તેલ આપવામાં આવે છે. આથી ઘનિષ્ઠ પોષણ અભિયાન અને ત્રીજુ ભોજન યોજના બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.વર્ષોવર્ષ આ યોજના પાછળ સરકાર બજેટમાં નામ પૂરતી બજેટની જોગવાઈ કરીને માત્ર ઔપચારિકતા પૂર્ણ કરતી હતી. આ કારણોસર યોજના માત્ર કાગળ પર જ રહેતી હતી. આ સંજોગોમાં નામ પૂરતા ફાળવાતા બજેટમાંથી પણ ખાયકી થઈ શકે તેવી શક્યતા રહેતી હોવાથી હવે યોજના બંધ કરાઈ છે.