ગણેશ ચતુર્થી, ભારતનો એક મહત્વનો અને ઉત્સાહભર્યો તહેવાર, દર વર્ષે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને મહારાષ્ટ્રના મુંબઈમાં ગણપતિ ઉત્સવની રોનક વિશ્વભરમાં પ્રખ્યાત છે, જ્યાં ગણેશજીની અનોખી મૂર્તિઓ ભક્તોનું દિલ જીતી લે છે. પરંતુ આ વખતે ગણેશ ચતુર્થીનો ઉત્સાહ માત્ર મૂર્તિઓ સુધી સીમિત નથી, ગુજરાતના સુરતમાં બાપ્પાના શણગાર માટે રિયલ મેટલ જ્વેલરીનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, જે ઉત્સવને વધુ ભવ્ય બનાવી રહ્યો છે.સુરતમાં ગણેશ ચતુર્થીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ભક્તો હવે સાદી મૂર્તિઓ કરતાં હીરા, મોતી અને રંગબેરંગી વસ્ત્રોથી શણગારેલી ગણપતિની મૂર્તિઓને પ્રાધાન્ય આપી રહ્યા છે. લાઈટિંગ અને ડેકોરેશનથી શણગારેલા મંડપમાં ભવ્ય શણગારવાળી મૂર્તિનું સ્થાપન થાય તો તેની આભા અને ભક્તિની ભાવના વધુ ઉર્જામાન બને છે. આ કારણે સુરતમાં શણગારિત મૂર્તિઓની માંગ દિવસેને દિવસે વધી રહી છે.






