સુરતમાં મેઘરાજાની ધુંઆધાર ઈનિંગ…

0
319

સુરત શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના પગલે રસ્તાઓ પર ઘૂંટણસમું પાણી ભરાયું છે. શહેરની ઘણી શાળાઓ આસપાસ પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને મધ્યમાર્ગે રજા જાહેર કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં શાળાઓની બહાર ઘૂંટણસમું પાણી ભરાયેલું હોવાથી વાલીઓએ બાળકોને ખભે બેસાડીને ઘરે લઈ જવાની ફરજ પડી. જિલ્લા કલેક્ટરે તાત્કાલિક નિર્ણય લઈને 23 જૂનના રોજ બપોરની પાળીમાં તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. સવારની પાળીમાં હાજર વિદ્યાર્થીઓને ઝડપથી ઘરે પહોંચાડવા માટે શાળાઓને પરિવહનની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયથી વાલીઓએ રાહત અનુભવી, પરંતુ શાળાઓ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિએ ચિંતા વધારી છે. બીજી તરફ અર્ચના સ્કૂલ આસપાસના વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયું, જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શાળામાંથી બહાર નીકળવામાં હાલાકી થઈ.સુરતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારો જેમ કે અડાજણ, રાંદેર, વરાછા, કતારગામ અને કાપોદ્રામાં ભારે વરસાદે રસ્તાઓને તળાવમાં ફેરવી દીધા છે. મધ્ય સુરતના મહિધરપુરા, મજુરાગેટ અને અઠવાગેટ વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે ટ્રાફિકની અવરજવરમાં લોકોને તકલીફો પડી રહી છે. દક્ષિણ અને પશ્ચિમ સુરતના વેસુ, પીપલોદ, પાર્લે પોઇન્ટ, સિટી લાઈટ, પાંડેસરા, ઉધના અને ખટોદરા વિસ્તારોમાં પણ સતત વરસાદે નદી-નાળાઓની નજીકના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. કેનાલ રોડ, ડભોલી અને સિંગણપોરમાં ઘૂંટણસમું પાણી ભરાયું, જેના કારણે ટૂ-વ્હીલર ચાલકોને ખાસ હાલાકીનો સામનો કરવો પડ્યો. કેટલીક કોલોનીઓ અને બજારોમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ, જેના કારણે રહેવાસીઓનું જનજીવન ખોરવાયું છે.