સેક્ટર 21માંથી 300 જોડી બૂટ ચોરનારા બે આરોપી પકડાયા…

0
202

શહેરના સેક્ટર 21 સ્થિત સરકારી ક્વોટર્સની બાજુમાં બુટ ભરીને મુકવામાં આવેલી લારીની ચોરી થઇ હતી. ચોર લારીને અડધી રાત્રે ચોરી કરી પલાયન થઇ ગયા હતા અને લારીને સેક્ટર 28 સ્થિત એક છાપરામાં સંતાડવામાં આવી હતી. ત્યારે એલસીબીની ટીમે બે આરોપીઓને ચોરાયેલા માલ સાથે ઝડપી લીધા હતા અને સેક્ટર 21 પોલીસ મથકને સોપવામાં આવતા કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ અમદાવાદ અમરાઇવાડીના રાકેશ તુલસીભાઇ દાયમા સેક્ટર 21માં આવેલી મહાત્મા ગાંધી હાઇસ્કૂલ પાસે રોડ સાઇડમાં બુટનો વેપાર કરે છે. જેમાં તેમણે બુટની લારી સરકારી ક્વોટર્સ 76/3 પાસે મુકી હતી. એક સાથે 5 લારી મુકવામાં આવી હતી. શહેરમાં દબાણ સામે ઝુંબેશ ચાલતી હોવાથી આવતા ન હતા. જ્યારે વેપાર કરવા આવ્યા પછી પાંચમાંથી એક લારી ગાયબ હતી, જેમાં એક લાખ રુપિયાની કિંમતના 300 જોડી બુટ હતા.

બુટ ભરેલી લારીની ચોરી પછી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં એલસીબી પીઆઇ ડી.બી.વાળાની ટીમને તપાસ કરતા ચોરની બાતમી મળી હતી. જેમાં બુટ ભરેલી લારી સેક્ટર 28 વરિયા સમાજની વાડી પાછળ આવેલા છાપરામાં સંતાડવામાં આવી હોવાની માહિતી મળતા ટીમ પહોંચી હતી અને બે આરોપી જેમાં અરબાઝ આરીફભાઇ શેખ (રહે, પેથાપુર) અને ક્રિષ્ન હેમરાજભાઇ પ્રજાપતિ (રહે, સેક્ટર 28 છાપરા)ને ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછપરછ કરતા બુટ પોતે ચોરી કર્યા હોવાનુ જણાવ્યુ હતુ. જ્યારે લારીને સેક્ટર 28 છાપરામાં સંતાડવામાં આવી હોવાની જણાવ્યુ હતુ. જેને લઇ પોલીસે બંને આરોપીઓને ઝડપી મુદ્દામાલ રીકવર કરી સેક્ટર 21 પોલીસને સોપવામાં આવ્યા હતા.

સેક્ટર 21માંથી બુટ ચોરવાના બનાવમાં બે આરોપીને પોલીસે પકડ્યા હતા. પરંતુ ચોરી બાબતે ચર્ચા થઇ રહી છેકે, આરોપી બે નહી ત્રણ હતા. જેમાં એક પોલીસ કર્મચારીનો ભાઇ હતો. પરંતુ તેને હાલમાં પકડવામાં આવ્યો નથી અને તેનો બચાવ કરવામાં આવ્યો હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે.