સેક્ટર-29માં આંબાનું જોખમી વૃક્ષ પડતા બે કારને નુકસાન….

0
104

ગાંધીનગર શહેરના સેક્ટર ૨૯માં આવેલા હુસેની ચોકમાં ગત મોડી રાત્રે વર્ષો જૂનું આંબાનું ઝાડ કડડભૂષ થઈ ગયું હતું. જોકે ઝાડ નીચે પાર્ક કરવામાં આવેલી બે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ વસાહતીઓએ આ વિસ્તારમાં અન્ય જોખમી વૃક્ષો હટાવી લેવા માટે માંગણી કરી છે.આમ તો ચોમાસાની ઋતુ દરમિયાન માર્ગો ઉપર જોખમી વૃક્ષો અને વૃક્ષોની ડાળીઓનું ટ્રીમિંગ કરવામાં આવતું હોય છે પરંતુ ઘણા સેક્ટરોમાં હજી પણ જોખમી વૃક્ષો અકસ્માત નોતરવા માટે અડીખમ ઊભા છે. આ સ્થિતિમાં ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગર શહેરના ૨૯માં આવેલા હુસેની ચોકમાં વર્ષો જૂનું આંબાનું ઝાડ પડી જવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ વિસ્તારના રહીશો દ્વારા આ ઝાડ નીચે વાહનો પાર્ક કરવામાં આવતા હતા અને બપોરના સમયે અહીં બાળકો દ્વારા રમત પણ રમવામાં આવતી હતી. જોકે જોખમી વૃક્ષને દૂર કરી દેવા માટે રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ તે સંબંધિત કોઈ પગલા લેવાયા ન હતા ત્યારે છેલ્લા થોડા દિવસોથી વાદળછાયા વાતાવરણ અને સતત પડી રહેલા ઝરમર વરસાદ વચ્ચે મોડી રાત્રે આ આંબાનું ઝાડ કડડભૂષ થઈ ગયું હતું. જોકે રાતની ઘટના હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ઝાડ નીચે પાર્ક કરવામાં આવેલી બેકારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો ત્યારે ફરીવાર આ પ્રકારની ઘટના વિસ્તારમાં ન બને તે માટે વસાહતીઓ દ્વારા જોખમી વૃક્ષો તાકીદે હટાવી લેવા માટે રજૂઆત કરવામાં આવી છે તો તંત્ર દ્વારા ગાંધીનગરમાં પણ સર્વે કરીને આ પ્રકારના વૃક્ષો તાકીદે હટાવી લેવા જરૃરી છે નહીંતર કોઈ મોટી અકસ્માતની ઘટના બની શકે છે.