સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પાસે છરી બતાવી કારની લૂંટ…..

0
221

પાટનગરમાં સતત અવરજવરવાળા વિસ્તારમાં લૂંટના બનાવો બની રહ્યા છે. સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પાસે યુવતી સાથે બેઠેલા યુવક પાસે આવીને ચાર બુકાનીધારીએ છરી બતાવી આઇ 20 કાર અને મોબાઇલ ફોન સહિત 3.20 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. જેને લઇ ચાર લુંટારુ સામે સેક્ટર 7 પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી.ગાંધીનગર શહેરની મધ્યમાં આવેલા અને સતત નાગરિકોની અવર જવર ધરાવતા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પાસે લૂંટનો બનાવ સામે આવ્યો છે. જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઇ હોય તેવુ જોવા મળી રહ્યુ છે.

મંગળવારે મોડી રાત્રે 12 કલાકે અરુણ વિદ્યાસાગર સોની (રહે, નારાયણનગર, વાવોલ) બેંક ઓફ અમેરીકામાં પ્રોસેસ એસોસિએટ તરીકે નોકરી કરે છે. જે રાત્રે પોતાની કાર લઇને સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પાસે કારમાં બેઠો હતો, તેની સાથે તેની સ્ત્રીમિત્ર પણ હતી.તે સમયે કાર પાસે આશરે સાડા બાર વાગ્યાના અરસામાં મોઢો ઉપર રૂમાલ બાંધીને ચાર બુકાનીધારી આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, તું ગાડીમાંથી નીચે ઉતર, જેથી યુવક કારમાંથી નીચે ઉતર્યો હતો અને નીચે ઉતરતાની સાથે જ એક બુકાનીધારીએ હાથ પકડી લીધો હતો અને કહેવા લાગ્યો હતો કે, કારની ચાવી મને આપી દે. યુવકે ચાવી આપવાની ના પાડતા બીજા બુકાનીધારીએ તેની પાસે રહેલી છરી બતાવી હતી.

જેથી યુવક ગભરાઇ ગયો હતો અને તેની પાસે રહેલી કારની ચાવી અને મોબાઇલ માગતા આપી દીધા હતા.શહેરની મધ્યમાં અડધી રાત્રે વાતચીત કરવા બેઠેલા યુવક પાસેથી કાર અને મોબાઇલ લઇને ચાર બુકાનીધારી ફરાર થઇ ગયા હતા. જેથી યુવકે સેક્ટર 7 પોલીસ મથકમાં અજાણ્યા ચાર બુકાનીધારી સામે લૂંટનો ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનિય છેકે, શહેરની મધ્યમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે, જેને લઇ રાત દરમિયાન સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બેસવા આવતા શહેરીજનોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.