દેશમાં કોરોના સામે લડાઈ જારી છે. કેન્દ્રથી લઈ રાજ્ય સરકારો તેના જોખમને ઓછું કરવા માટે મજબૂત પગલા ભરી રહી છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કેબિનેટની બેઠક યોજાઈ રહી છે, જેમાં કોરોના વાઈરસ, લોકડાઉન સહિત દેશમાં વિવિધ બાબતો અંગે ચર્ચા થઈ છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કેબિનેટના વિવિધ નિર્ણય અંગે માહિતી આપી છે. સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરનારને છ મહિનાથી સાત વર્ષની કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. જેલની સજા ઉપરાંત રૂપિયા એક લાખથી રૂપિયા પાંચ લાખનો દંડ કરવાની પણ જોગવાઈ રજૂ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી નિવાસ સ્થાને કેબિનેટની બેઠકમાં આર્થિક સ્થિતિ અંગે પણ ચર્ચા થઈ. અગાઉ જ કેન્દ્ર સરકાર તરફથી રાહતરૂપે રૂપિયા 1 લાખ 70 હજાર કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત થઈ ચુકી છે.મહામારી રોગો ધારો,1897માં સુધારો કરવામાં આવ્યો છે તેમ જ સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરવા જેવી ઘટનાઓને અટકાવવા તેને ગુનાહિત કૃત્ય ગણવા તથા બિનજામીનપાત્ર સજા માટે વટહુકમ લાવવામાં આવ્યો છે.આ પ્રકારની ઘટનાની તપાસ 30 દિવસની અંદજ પૂરી કરી લેવામાં આવશે. સ્વાસ્થ્ય કર્મચારીઓના વાહનો અથવા ક્લિનિકને નુકસાન પહોંચાડવામાં આવશે તો નુકસાન પામેલી મિલકતોના બજાર મૂલ્ય કરતા બમણી રકમ હુમલો કરનાર પાસેથી વસૂલવામાં આવશે, તેમ કેન્દ્રીય પ્રધાને આજે જાહેરાત કરી હતી.