‘હું મનુષ્ય છું, ભગવાન નથી, મારાથી પણભૂલો થાય છે અને હું પણ કેટલીક ભૂલો કરી શકું છું. હું પણ એક મનુષ્ય છું, ભગવાન નથી તેમ ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથના ‘પીપલ બાય ડબલ્યુટીએફ’ નામના શોમાં તેમના પ્રથમ પોડકાસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
બે કલાકની નિખાલસ પોડકાસ્ટ વાતચીતમાં વડાપ્રધાન તેમના જીવન અને કારકિર્દીના વિવિધ પાસાઓ પર બોલ્યા હતાં. તેમણે ગુજરાતમાં તેમના બાળપણ, રાજકારણમાં તેમની સફર અને તેમના નિર્ણયોને આકાર આપવામાં વિચારધારા અને આદર્શવાદના મહત્વ પર વાતચીત કરી હતી. હું મુખ્યમંત્રી બન્યો ત્યારે મેં એક ભાષણ આપ્યું હતું જેમાં મેં કહ્યું હતું કે હું સખત મહેનત કરવામાં ખચકાઈશ નહીં અને હું મારા માટે કંઈ કરીશ નહીં અને હું માણસ છું, જે ભૂલો કરી શકે છે, પરંતુ હું ક્યારેય ખરાબ ઇરાદા સાથે કંઇ ખોટું કરીશ નહીં. આ મારા જીવનનો મંત્ર છે તેમ મોદીએ ઉમેર્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે વિચારધારા વગર રાજનીતિ થઈ શકે નહીં, પરંતુ આદર્શવાદની ખૂબ જ જરૂર છે. ગાંધીજી અને સાવરકરના રસ્તા અલગ હતાં, પરંતુ તેમની વિચારધારા “સ્વતંત્રતા” હતી. અમેરિકા દ્વારા વિઝાના ઇનકારના મુદ્દે વડાપ્રધાને જણાવ્યું હતું કે તે મને એક ચૂંટાયેલી સરકાર અને દેશનો અનાદર લાગ્યો હતો. મે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે અમેરિકા સરકારે મને વિઝા આપવાનો ઇનકાર કર્યો છે. મે એવું પણ કહ્યું હતું કે હું એક એવા ભારતને જોઇ રહ્યું છું કે જ્યાં દુનિયા વિઝા માટે કતારમાં હશે. આ મારું 2004નું નિવેદન હતું અને આજે આપણે 2025માં છીએ. તેથી હું જોઇ રહ્યું છું કે હવે સમય ભારતનો છે.