મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં આગામી દિવસોમાં ૧ લાખ યોગ ટ્રેનર્સ દ્વારા રપ હજાર યોગ વર્ગોના માધ્યમથી યોગનો વ્યાપ જન-જન સુધી વિસ્તારવાની સંકલ્પના દર્શાવી છે.
આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વિકાસશીલ ગુજરાત અને ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણ ભણી જઇ રહેલા આપણા રાજ્યમાં જી.ડી.પી. સાથે હેપીનેસ ઇન્ડેક્ષમાં પણ વૃદ્ધિ કરવા સૌના તન-મન, બુદ્ધિ, આત્માને યોગના માધ્યમથી સ્વસ્થ તંદુરસ્ત કરીને દિવ્ય ગુજરાત, સંસ્કારી ગુજરાત બનાવવાની નેમ રાખી છે
મુખ્યમંત્રીશ્રીએ ૭માં વિશ્વ યોગ દિવસ અવસરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સમારોહમાં યોગ કોચ અને યોગ ટ્રેનર્સને પ્રતિક રૂપે પ્રમાણપત્ર વિતરણ કર્યા હતા
આ પ્રસંગે રમત-ગમત યવા સાંસ્કૃતિક રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શીશપાલજી, નિયામક મંડળના સભ્ય શ્રી ભાનુભાઇ ચૌહાણ તેમજ અધિક મુખ્ય સચિવ શ્રી સી.વી. સોમ ગાંધીનગરમાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના જિલ્લા મથકોએ ઉપસ્થિત યોગ ટ્રેનર્સ-યોગ કોચ અને પદાધિકારીઓ-અધિકારીઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રેરક સંબોધન કર્યુ હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વને હવે યોગ-પ્રાણાયામ તરફ પ્રેરિત કર્યા છે. પરંતુ આ યોગ સંસ્કૃતિનું સર્જન તો પાંચ હજાર વર્ષ પહેલાં આપણા મહર્ષિઓ એ કરેલું છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આપણી આ પ્રાચીન વિરાસતને વિશ્વ સમુદાય સમક્ષ ઊજાગર કરીને સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણીનું ગૌરવ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને અપાવ્યું છે.
તેમણે ઉમેર્યુ કે, પશ્ચિમના રાષ્ટ્રો જોગીંગ, જિમ જેવી રમતો-વ્યાયામ કરતા હોય છે પરંતુ તેનાથી માનસિક તણાવ દૂર થાય કે શાંતિ સાથે શારીરિક સ્વસ્થતા પ્રાપ્ત થાય જ તેવું તેનું મહાત્મ્ય નથી
આપણી સનાતન યોગ-પ્રાણાયામ સાધના તરફ હવે પશ્ચિમના રાષ્ટ્રો સહિતના દુનિયાના દેશો વળ્યા છે. કેમ કે શરીર, મન, બુદ્ધિ અને વ્યક્તિગત જીવન પ્રફૂલ્લિત-આનંદિત અને સ્વસ્થ રાખવાનું સક્ષમ માધ્યમ આપણી યોગ્ય સંસ્કૃતિ જ છે તે હવે સૌને સમજાયું છે એમ મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ભારતની આ અણમોલ વિરાસત હવેના સમયમાં શારીરિક, માનસિક સ્વસ્થતા, શાંતિ માટે એક જરૂરિયાત બની ગઇ છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારત માતા આવી પુરાતન વિરાસતના માધ્યમથી આજે વિશ્વગુરૂ બની છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી પાછલા ત્રણ વર્ષમાં યોગનો વ્યાપ ગામો-નગરોમાં વિસ્તારવા યોગાભ્યાસ તાલીમવર્ગો, ૭પ૦ કોચ, પ૩ હજાર જેટલા ટ્રેનર્સ તૈયાર કરવા સહિતની પ્રવૃત્તિઓથી દિવ્ય ગુજરાતના નિર્માણની કલ્પનામાં સક્રિય સહયોગ મળી રહ્યો છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ ‘સર્વજન હિતાય સર્વજન સુખાય’ના મંત્રથી યોગને વધુને વધુ લોકો સુધી પ્રચલિત બનાવીને યોગમય ગુજરાત માટે આહવાન કર્યુ હતું.
તેમણે કહ્યું કે, ગુજરાત યોગ સાધના-યોગ અભ્યાસમાં પણ દેશમાં અગ્રેસર બને તેવી આપણી નેમ છે
રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે વિશ્વ યોગ દિવસની આ વર્ષની ઉજવણીમાં રાજ્યમાં મળેલા જનપ્રતિસાદની સરાહના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રાજ્યમાં યોગ બોર્ડની રચના અને તે દ્વારા યોગના ઘરે-ઘરે પ્રસારનો અભિનવ પ્રયોગ દેશમાં ધ્યાન ખેચનારો બન્યો છે એમ પણ તેમણે કહ્યું હતું.
યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શીશપાલજીએ રાજ્ય યોગ બોર્ડની બહુવિધ પ્રવૃત્તિઓ અને યોગને જન સમુદાયની જીવનશૈલીનો રોજિંદો ભાગ બનાવવા પ૩ હજાર ટ્રેનર્સ-યોગ કોચની ભૂમિકા સમજાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ‘હવે તો બસ એક જ વાત-યોગમય બને ગુજરાત’ થીમ સોંગનું લોંચીંગ પણ કર્યુ હતું.