વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિડ-19ના સંક્રમણ સામેના જંગમાં રાજ્યના નાગરિકોની રોગપ્રતિકારક શકિત વધારવાના ઉદ્દેશથી ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની આયુર્વેદ ફાર્મસી પાસેથી ગુજરાત માટે ૭ ટન આયુર્વેદ ઔષધનો જથ્થો ખાસ વિમાન મારફતે ગુજરાત માટે મગાવ્યો છે. સોમવારે આ દવાઓ અમદાવાદ આવી પહોંચી હતી.
ગુજરાત સરકારે જે દવાઓ મગાવી છે તેમાં માં ૨૪૯૦ કિ.ગ્રા. સંશમની વટી, ૧૪૪૦ કિ.ગ્રામ દશમૂલ કવાથ અને ૧૦ હજાર કિ.ગ્રામ આયુષ-૬૪ કેપ્સ્યુલનો સમાવેશ થાય છે. આ દવાઓ સામાન્યત: ૭ દિવસ માટે લેવાની હોય છે તે દ્રષ્ટિએ સાડા ચાર લાખથી વધુ લોકોને તેનો લાભ મળી શકશે તેવો અંદાજ છે.
કોરોનાના દર્દીઓને સારવાર ઉપરાંત તેમનામાં રોગ પ્રતિકાર શક્તિ વધારવાની બાબતને પણ વૈશ્વિક સ્વીકૃતિ મળી છે ત્યારે માનવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારનારી આયુર્વેદિક દવાઓનો વપરાશ વધ્યો છે.
ગુજરાતમાં આ આયુર્વેદિક દવાઓ સીધી અને ઉકાળા સ્વરૂપે આપવાની પ્રક્રિયા સાર્વત્રિક બનાવાઈ છે ત્યારે રાજ્યમાં આ આયુર્વેદિક દવાનો જથ્થો જળવાઈ રહે તે માટે વધુ ૭ ટન આયુર્વેદિક દવાઓ ગુજરાતમાં મગાવામાં આવી છે.