રાજ્ય સરકારે ઇ-સ્ટેમ્પિંગ મામલે નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે સુવિધાનો વ્યાપ વધારવાનો નિર્ણય લીધો છે. સ્ટેમ્પ વેન્ડરો દ્વારા વધુ કિમત વસૂલવાની ફરિયાદોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી, લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર, ચાર્ટડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, કોમન સર્વિસ સેન્ટર અને નોટરીની કચેરીમાં ઇસ્ટેમ્પિંગની સુવિધા શરૂ કરી શકાશે તેવું મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, હાલ ઇ-સ્ટેમ્પિંગ રૂલ્સ-૨૦૧૪ની જોગવાઇ મુજબ શિડયુલ બેંક, સરકાર દ્વારા નિયંત્રિત એકમો, પોસ્ટ ઓફીસો અને સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે જ ઇ-સ્ટેમ્પિંગ સુવિધા કેન્દ્ર આપી શકાતા હતાં. હાલમાં રાજ્યમાં આવા ૪૭૪ ઈ-સ્ટેમ્પિંગ સુવિધા કેન્દ્રો કાર્યરત છે.