સમગ્ર દેશ માટે મંગળવારનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. 2024ની લોકસભાની ચૂંટણી માટેનો વ્યૂહ નક્કી કરવા અને તેમના સહયોગી પક્ષોમાં એકસૂત્રતા લાવવા માટે એનડીએ અને યુપીએના કુલ મળીને 64 રાજકીય પક્ષોના નેતાઓ બે વિવિધ મંચ પર હાજર રહ્યા હતા. બે વિવિધ કાર્યક્રમોમાં આટલા પક્ષોના નેતાઓ એકસાથે હાજર રહ્યા હોય તેવું ભાગ્યે જ બને છે. યુપીએએ બેંગલુરુમાં મહામંથન કર્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએનું શક્તિપ્રદર્શન દિલ્હીમાં યોજાયું હતું.એનડીએનો સામનો કરવા માટે યુપીએ દ્વારા INDIA ગઠબંધનની રચનાના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે સત્તાની લાલસા અને મજબૂરી, વંશવાદી રાજકારણના આધારે તેમજ જાતિવાદ અને પ્રદેશવાદને ધ્યાનમાં રાખીને રચાયેલું કોઇ પણ ગઠબંધન દેશ માટે અત્યંત નુકસાનજનક છે. નકારાત્મકતા પર આધારિત ગઠબંધન દેશમાં ક્યારેય સફળ નહિ થાય.
દિલ્હીમાં ભાજપની આગેવાનીમાં એનડીએના 38 પક્ષોની બેઠક થઇ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીએના ગઠબંધન પર પ્રહારો કર્યા હતા અને કટાક્ષ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘આ લોકો સાથે તો આવી શકે છે, પરંતુ નજીક નહિ. કેરળમાં લેફ્ટ અને કોંગ્રેસ એકબીજાના લોહીના તરસ્યા છે. પરંતુ બેંગલુરુમાં હાથ પકડીને હસી રહ્યા છે. બંગાળમાં લેફ્ટ અને તૃણમૂલ કોંગ્રેસ ઝઘડી રહ્યા છે, પરંતુ બેંગલુરુમાં સાથે છે. લોકો જાણે છે કે આ મિશન નથી મજબૂરી છે.’
ગઠબંધનમાં હાજર નેતાઓને સંબોધતાં મોદીએ કહ્યું હતું કે એનડીએ લોકોને જોડે છે જ્યારે વિરોધ પક્ષો તેમને અલગ પાડે છે. તાજેતરમાં જ એનડીએએ 25 વર્ષ પૂર્ણ કર્યા હતા. આ ગાળામાં દેશની પ્રગતિને ગતિ મળી છે અને પ્રાદેશિક અપેક્ષાઓ સંતોષાઇ છે.
તેમણે ઉમેર્યું હતું કે ‘મારા શરીરનું દરેક ક્ષણ દેશને સમર્પિત છે. ભરોસો અપાવું છું કે એનડીએ ત્રીજી ટર્મમાં દેશનું અર્થતંત્ર દુનિયામાં ત્રીજા ક્રમે હશે.’