2024ના વર્ષમાં પાંચ જેટલી ફિલ્મો રિલીઝ કરવાની અજય દેવગને તૈયારી

0
338

ગદર 2 બાદ બોલિવૂડમાં ફ્રેન્ચાઈઝી ફિલ્મોનો દોર જામી રહ્યો છે. સીક્વલમાં સફળતાનો સૌથી વધુ લાભ અજય દેવગન અને અક્ષય કુમારને મળ્યો છે. બોક્સઓફિસ પર કપરાં ચડાણ હતા ત્યારે પણ અજય દેવગનની ફિલ્મ દૃશ્યમ 2 હિટ રહી હતી. જ્યારે રનવે 34 અને થેન્ક ગોડને ખાસ સફળતા મળી ન હતી. 2023માં બોક્સઓફિસ પર બોલિવૂડના બાદશાહ શાહરૂખની હુકુમત રહેલી છે. રૂ.1000 કરોડનો આંક વટાવનારી બે ફિલ્મો બાદ તેમની ત્રીજી ફિલ્મ ડન્કી 21 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. 2024ના વર્ષમાં કિંગ ખાનના રેકોર્ડની બરોબરી કરવા અજય દેવગને કમર કસી છે. 2024ના વર્ષમાં રિલીઝ થનારી ફિલ્મોમાં સૌથી વધુ ચર્ચા સિંઘમની ત્રીજી ફિલ્મની છે. રોહિત શેટ્ટીન ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મની શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. શૂટિંગ દરમિયાન જ ફિલ્મની કાસ્ટમાં ટાઈગર શ્રોફનો સમાવેશ કરાયો છે. સિંઘમ બાદ અજયની વધુ ચાર ફ્રેન્ચાઈઝી ફિલ્મો પણ લાઈનમાં છે. અજય દેવગન અને ટીમે આગામી વર્ષની સૌથી મોટી ફિલ્મ સિંઘમ અગેઈનનું શૂટિંગ 100 દિવસમાં પૂરુ કરવાનું વિચાર્યું છે. સિંઘમનું શૂટિંગ પૂરું થયા પછી જ અજય દેવગન અન્ય ફિલ્મો શરૂ કરશે. આગામી દોઢ વર્ષ સુધી અજય દેવગનની ફ્રેન્ચાઈઝી ફિલ્મોનું શૂટિંગ ચાલવાનું છે.

આ ક્રમમાં સૌથી પહેલા નંબરે આવે છે ‘દે દે પ્યાર દે’ની સીક્વલ. 2019ના વર્ષમા રિલીઝ થયેલી ફિલ્મની સીક્વલમાં અજય-રકુલની જોડી ફરી સાથે જોવા મળશે. ‘દે દે પ્યાર દે’ની સ્ટોરી જ્યાં અટકી હતી, ત્યાંથી જ સીક્વલની શરૂઆત થશે. 2018ના વર્ષમાં રિલીઝ થયેલી રેઈડની સીક્વલ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે અને સ્ક્રિપ્ટિંગ ફાઈનલ તબક્કામાં છે. દે દે પ્યાર દે પછી રેઈડ-2નું શૂટિંગ શરૂ કરવાનું આયોજન છે. સન ઓફ સરદારની સીકવલ બનાવવાનો નિર્ણય થોડા સમય પહેલા લેવાયો હતો અને તેનું પણ સ્ક્રિપ્ટિંગ હજુ ફાઈનલ થયું નથી.

દે દે પ્યાર દે, રેડ અને સન ઓફ સરદારની સીક્વલ ઉપરાંત ધમાલ 4, દૃશ્યમ 3 અને ગોલમાલ 5માં પણ અજય દેવગન છે. સીક્વલ અને ફ્રેન્ચાઈઝીની સફળતામાં અજય દેવગન નસીબદાર રહ્યા છે. તેથી આગામી વર્ષે સિંઘમ અગેઈન અને ઉપરાંત દે દે પ્યાર દેની રિલીઝ પાકી છે. અજય દેવગનના હાથ પર હાલ છ ફિલ્મો છે. આગામી દોઢ વર્ષમાં તે તમામનું શૂટિંગ પૂરું કરવાની અને તેમાંથ પાંચને રિલીઝ કરવાની અજય દેવગનની ઈચ્છા છે.