42.8 ડિગ્રી સાથે પાટનગર બીજા નંબરનું સૌથી ગરમ શહેર

0
190

સરકારી ચોપડે રાજ્યના હરીયાળા નગર તરીકે ગાંધીનગરની ઓળખ આપવામાં આવી છે. ત્યારે મંગળવારે રાજ્યભરના શહેરોમાંથી નોંધાયેલા મહત્તમ તાપમાનમાં સૌથી ગરમ શહેરમાં અમદાવાદ પ્રથમ અને ગાંધીનગર બીજા ક્રમે રહ્યું હતું. મંગળવારે નગરનું મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27.4 ડિગ્રી નોંધાતા નગરવાસીઓ મધ્યરાત્રી સુધી વાતાવરણમાં ઠંડક જામતી નથી. નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 63 ટકા અને સાંજે 21 ટકા નોંધાયું છે.

ચાલુ વર્ષના ઉનાળાની સીઝનમાં રાજ્યના સૌથી વધુ ગરમ શહેરોમાં ગાંધીનગર બીજા ક્રમે રહેતા મહત્તમ તાપમાન 42.8 ડીગ્રી નોંધાયું છે. જ્યારે મહત્તમ તાપમાન 42.9 ડીગ્રી સાથે અમદાવાદ પ્રથમ ક્રમે રહ્યું હતું. આથી અમદાવાદ-ગાંધીનગર ગરમ શહેરોમાં લિંકસિટીનો નિયમ જાળવ્યો હોય તેમ મહત્તમ તાપમાન પરથી લાગી રહ્યું છે. ચાલુ વર્ષની ઉનાળાની સીઝનમાં પ્રથમ વખત નગરનુ મહત્તમ તાપમાન 42 ડીગ્રીને વટાવી ગયું છે. જોકે આગામી દિવસો નગરનું મહત્તમ તાપમાન 44 ડીગ્રીને પાર જાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

જેને પરિણામે આગામી સમયમાં નગરને ઓરેન્જ એલર્ટ આપવામાં આવે તેવી શક્યતા રહેલી છે. આકાશમાંથી વરસતી અગન વર્ષાને પગલે મહત્તમ તાપમાને ચાલુ સીઝનના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. જોકે માર્ચ અને એપ્રિલ માસમાં સતત માવઠાને પગલે નગરવાસીઓને ચાલુ વર્ષે ઉનાળાની ઋતુનો અનુભવ થયો જ નથી.