ગુજરાતમાં આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય….

0
219

આજે સમગ્ર રાજ્યના આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હાલ રાજ્યના 1.79 કરોડ PMJAY-મા કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી રૂ. 5 લાખની આરોગ્ય વીમા કવચની સહાય રૂ. 10 લાખ થઇ છે.આજે બજાજ ઇન્સોયરન્સ કંપનીના હોદ્દેદારોએ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ગાંધીનગર સ્થિત કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ,કમિશ્નર શાહમીના હુસૈન, એન.એચ.એમ.ના ડાયરેક્ટર ડૉ. રેમ્યા મોહન અને આયુષ્માન યોજના સાથે સંકળાયેલા ડૉ. જૈન, ડૉ. આનંદ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ શુભેચ્છા મુલાકાત બાદ મંત્રી ઋષિકેશ પટેલે વિધિવત રીતે આયુષ્માન કાર્ડ અતંર્ગત રૂ. 10 લાખની વીમા સહાયનો શુભારંભ કરાવ્યો હતો.

રૂ. 10 લાખની આરોગ્ય વીમા સહાયથી હ્રદય, કિડની, લીવર, ગર્ભાશય જેવા ટ્રાન્સપ્લાન્ટની સાથે સાથે કોક્લિયર ઇમ્પાન્ટ સહિતની અન્ય જટીલ પ્રકારની સર્જરીઓ પણ હવેથી આ કાર્ડ અંતર્ગત સરળતાથી મળવાપાત્ર બનશે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ. અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરીઓનો લાભ આ વીમા સહાયની રકમ વધતા પરિવાજનોને સરળતાથી મળી શકશે.જેના પરિણામે આયુષ્માન કાર્ડ ધારક પરિવારોની આરોગ્ય સમૃધ્ધિમાં વધારો થશે.

બજાજ કંપનીના હોદ્દેદારો , આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં આગામી બેંક ઇન્ટીગ્રેશન, રીયલ ટાઇમ ડેટા ટ્રેકીંગના મજબૂતીકરણ, એન્ટી ફ્રોડ એજન્સીની કામગીરીના સુદ્રઢીકરણ, હોસ્પિટલ સંચલાકો માટે નવીન SOP બનાવવી, FAQ (Frequently Ask Questions) તૈયાર કરવાના મુદ્દે વિગતવાર ચર્ચા હાથ ધરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત હાલ 2027 સરકારી અને 803 જેટલી ખાનગી તેમજ 18 કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત આમ કુલ 2848 હોસ્પિટલ એમ્પેનલ છે.