77મા સ્વાતંત્ર્ય પર્વને લઇને લાલ કિલ્લા પર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા

0
246

15 ઓગસ્ટના રોજ, દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. આ અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી 10મી વખત રાષ્ટ્રને સંબોધિત કરશે. આ દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 10 હજારથી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ વખતે સ્વતંત્રતા દિવસના અવસર પર 1800 વિશેષ મહેમાનો હાજર રહેશે. આ મહેમાનોમાં 400 થી વધુ સરપંચો સાથે 660 થી વધુ ‘વાયબ્રન્ટ વિલેજીસ’નો સમાવેશ થાય છે. તેઓને કાર્યક્રમ માટે ખાસ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. એટલું જ નહીં, ખેડૂત ઉત્પાદક સંગઠન યોજના સાથે જોડાયેલા 250 લોકોને પણ સામેલ કરવામાં આવ્યા છે.

મજબૂત સુરક્ષા વ્યવસ્થા
સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) એ લાલ કિલ્લા પર જવાબદારી સંભાળી છે. સ્વતંત્રતા દિવસ પર 1000 કેમેરા ઉપરાંત એન્ટી ડ્રોન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સમારોહ દરમિયાન અત્યાધુનિક હથિયારોથી સજ્જ કમાન્ડો ટીમ સેનાના હેલિકોપ્ટર પર આકાશમાંથી બારીક નજર રાખશે. વડાપ્રધાન અને અન્ય VVIP મહેમાનોની સુરક્ષા માટે સ્નાઈપર્સ, ચુનંદા SWAT કમાન્ડો અને શાર્પશૂટર્સ તૈનાત કરવામાં આવશે. સુરક્ષા કર્મચારીઓ લાલ કિલ્લા વિસ્તારના ખૂણે-ખૂણા પર નજર રાખશે. SWAT કમાન્ડો અને NSG કમાન્ડોની સાથે દિલ્હી પોલીસ અને પેરા મિલિટરી ફોર્સના જવાનોને પણ તૈનાત કરવામાં આવશે.

12 સેલ્ફી પોઈન્ટ બનાવ્યા
દિલ્હીમાં 12 જગ્યાએ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. જેમાં નેશનલ વોર મેમોરિયલ, ઈન્ડિયા ગેટ, વિજય ચોક, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન, પ્રગતિ મેદાન, રાજ ઘાટ, જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન, રાજીવ ચોક મેટ્રો સ્ટેશન, દિલ્હી ગેટ મેટ્રો સ્ટેશન, આઈટીઓ મેટ્રો ગેટ, નૌબત ખાના અને શીશ ગંજ ગુરુદ્વારાનો સમાવેશ થાય છે. લોકોની સુવિધા માટે આ સ્થળોએ કેટલીક ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.