વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા…

0
153

સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે પૂર્વ સંધ્યાએ વડોદરામાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં નીકળેલી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં અનેરો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. અખંડ ભારતની એકતાના યશગાન ગાતી આ ‘તિરંગા યાત્રા’ માં હર્ષ સંઘવી સાથે વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણ શુક્લ અને સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ સહભાગી થયા હતા.

તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા તિરંગાને શાનથી લહેરાવતા વડોદરાવાસીઓના અદમ્ય ઉત્સાહને વંદન કરીને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃતકાળમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી હર ઘર તિરંગાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં જ્યાં જુઓ ત્યાં ચારેય દિશામાં તિરંગો લહેરાઈ રહ્યો છે. ડાંગથી લઈને ગીર સોમનાથ અને અંબાજીથી લઈને વલસાડના ઉમરગામ સુધી ગુજરાતના ખૂણે-ખૂણે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાતા લોકજુવાળને હું વંદન કરું છું, તેમ શ્રી સંઘવીએ જણાવ્યું હતું. કાશ્મીરમાં આતંકવાદીના ઘરે પણ આજે આન, બાન, શાનથી તિરંગો લહેરાય છે, તેમ ગૌરવસહ જણાવી તેમણે સૈનિકો, પૂર્વ સૈનિકો અને બહાદુર જવાનોને નમન કર્યા હતા. શ્રી સંઘવીએ જનસૈલાબના ઉત્સાહને નતમસ્તક કરી વડોદરાવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આયોજિત ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રાનું ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કીર્તિ સ્તંભ ખાતેથી ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે દેશપ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્ય તિરંગા યાત્રા કીર્તિ સ્તંભથી શરૂ થઈને ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા, શહીદ ભગતસિંહ ચોક (ન્યાય મંદિર), સુરસાગર તળાવ થઈને મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે સમાપ્ત થઈ હતી. દેશભક્તિના ગીતો સાથે આ યાત્રા જેમ જેમ રૂટ પર આગળ વધતી હતી, તેમ તેમ લોકોનો ઉત્સાહ બેવડાતો હતો. રૂટ પર સ્થાનિકો દ્વારા ભવ્ય તિરંગા યાત્રા માટેનો આવકાર અને વધામણા જોઈને શ્રી સંઘવી ગદગદ થઈ ગયા હતા.

મેયર શ્રી નિલેશભાઈ રાઠોડ, ધારાસભ્ય સર્વ શ્રી યોગેશભાઈ પટેલ, શ્રીમતી મનીષાબેન વકીલ, શ્રી અક્ષયકુમાર પટેલ, શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અશોકભાઈ પટેલ, ડેપ્યુટી મેયર સુશ્રી નંદાબેન જોષી, મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, અગ્રણી શ્રી ગોરધન ઝડફીયા, ડો. વિજય શાહ, કાઉન્સિલરશ્રીઓ, વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી દિલીપ રાણા, કલેક્ટરશ્રી અતુલ ગોર, શહેર પોલીસ કમિશનરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હિરપરા સહિત જિલ્લા વહીવટી તંત્ર અને વડોદરા મનપાના અધિકારીશ્રીઓ, વડોદરા શહેર પોલીસ-ટ્રાફિક પોલીસના કર્મચારીઓ, એન. ડી. આર. એફ.ના જવાનો, એન. સી. સી. કેડેટ્સ, મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ અને સંસ્કારી નગરીના દેશપ્રેમી નાગરિકો આ ભવ્ય તિરંગા યાત્રાની ઐતિહાસિક ક્ષણોમાં સહભાગી બન્યા હતા.