ભાજપે ચારમાંથી ત્રણ રાજ્યોમાં મેળવ્યો ભવ્ય વિજય….

0
280

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુનામી પર સવાર થઈને ભાજપે રવિવારે ચારમાંથી ત્રણ રાજ્યોમાં ભવ્ય વિજય મેળવીને હિન્દી પટ્ટામાં કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા હતાં. 17 વર્ષના શાસન પછી મધ્યપ્રદેશ વિધાનસભામાં ભગવા પાર્ટી પ્રચંડ બહુમતી સાથે ફરી સત્તા પર આવી છે, જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ચૂંટણી પરિણામ સાથે ભાજપના કાર્યકરો અને સમર્થકોએ ફટાકડા ફોડી અને મીઠાઈઓ વહેંચીને વિજયને વધાવી લીધો હતો, બીજી તરફ કોંગ્રેસ છાવણીમાં સન્નાટો છવાયો હતો. આ ભગવા લહેરમાં દક્ષિણ ભારતમાંથી કોંગ્રેસ માટે સારા સમાચાર આવ્યા હતા. પાર્ટીને તેલંગાણામાં કે ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) પાસેથી સત્તા આંચકી લેવામાં સફળતા મળી હતી. ચંદ્રશેખર રાવ દસ વર્ષથી તેલંગણામાં સત્તારૂઢ હતાં. કર્ણાટક પછી દક્ષિણ ભારતમાં કોંગ્રેસની વધુ એક રાજ્યમાં જીત તેના માટે રાહતના સમાચાર છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું પરિણામોએ સાબિત કરી દીધું છે કે તુષ્ટિકરણ અને જાતિના રાજકારણના દિવસો પૂરા થઇ ગયા છે અને ‘નવું ભારત’ પ્રર્દશનના રાજકારણ પર મતદાન કરે છે. ભાજપની જંગી જીત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની કલ્યાણકારી નીતિઓ અને સુશાસન પર જનતાની મંજૂરીની મહોર છે.