ભારતે સિંધુ સમજૂતી પર લગાવી રોક……

0
20

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. ભારતમાં દુશ્મન દેશના દૂતાવાસ બંધ કરવામાં આવશે અને બધા રાજદ્વારીઓને દેશ છોડવા માટે ફક્ત 48 કલાકનો સમય આપવામાં આવશે. આ ઉપરાંત સિંધુ જળ સંધિને સમાપ્ત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે પાકિસ્તાનમાં પાણીનું સંકટ સર્જાઈ શકે છે. આ કરાર બન્ને દેશો વચ્ચે 1960થી અમલમાં છે. એવું માનવામાં આવે છે કે આ નિર્ણય પાકિસ્તાન માટે મોટો ફટકો હશે અને પાણીના સંકટને કારણે તે ઘૂંટણિયે પડી શકે છે. ભારતે પણ પાકિસ્તાનમાં પોતાનું દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે અને રાજદ્વારીઓ અને અન્ય કર્મચારીઓને તાત્કાલિક અસરથી પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે.પહેલગામ હુમલામાં 26 લોકો માર્યા ગયા છે. તેમાં એક નેપાળી નાગરિક પણ છે. 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો 22 એપ્રિલના રોજ થયો હતો જ્યારે બૈસરન ખીણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા. મૃતકોમાં યુપી, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. નેપાળ અને યુએઈના એક-એક પ્રવાસી અને બે સ્થાનિક લોકો પણ માર્યા ગયા.

અહીં, સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પહેલગામ હુમલાના શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા હોવાનું કહેવાય છે.ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર-એ-તૈયબાનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ છે, જે પાકિસ્તાનમાં હાજર છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલામાં 5 આતંકવાદીઓ સામેલ હતા. આમાંથી બે સ્થાનિક અને ત્રણ પાકિસ્તાની આતંકવાદી હતા.