રાજકારણમાં કોઈ પૂર્ણવિરામ નથી, પરંતુ તે પ્રગતિ માટે માત્ર એક નવો પડાવઃ વડાપ્રધાન મોદી

0
1351

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યસભાના નિવૃત્ત થઇ રહેલા 37 સાંસદોને ભાવુક વિદાય આપી હતી અને તેમના સારા ભવિષ્યની શુભકામના આપી હતી. મોદીએ ગૃહમાં તેમના યોગદાનની પ્રશંસા કરી જણાવ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણમાં તેમનો અનુભવ અમૂલ્ય છે અને રાજકારણમાં કોઈ પૂર્ણવિરામ નથી, પરંતુ તે પ્રગતિ માટે માત્ર એક નવો પડાવ છે.

રાજ્યસભાના તમામ સાંસદોએ એપ્રિલ અને જુલાઈ વચ્ચે કાર્યકાળ પૂર્ણ કરીને નિવૃત્ત થઈ રહેલા સાંસદોને વિદાય આપી હતી. આગામી મહિનાઓમાં 10 રાજ્યોના કુલ 37 સાંસદો રાજ્યસભામાંથી નિવૃત્ત થવાના છે.

ગૃહને સંબોધતા પ્રધાનમંત્રીએ સભ્યોના સહિયારા અનુભવોને યાદ કરીને જણાવ્યું હતું કે આ ગૃહમાં ઘણી બાબતોની ચર્ચા થાય છે. કડવો-મીઠો સમય આવે છે, પરંતુ ત્યારે દરેક વ્યક્તિ પોતાના સાથીદારો માટે સમાન આદર અનુભવે છે. આજે નિવૃત્ત થઈ રહ્યાં છે, તેમાંથી કેટલાંક આ ગૃહમાં પાછા આવશે, જ્યારે કેટલાંક જનતા માટે અલગ અલગ રીતે કામ કરતા રહેશે.

લાંબો સંસદીય અનુભવ ધરાવતા અનેક વરિષ્ઠ નેતાઓના યોગદાનનો ઉલ્લેખ કરીને પીએમએ જણાવ્યું હતું કે એચ.ડી. દેવેગૌડા, મલ્લિકાર્જુન ખડગે અને શરદ પવાર એવા કેટલાંક વરિષ્ઠ સભ્યો છે, જેમણે સંસદીય કાર્યવાહીમાં અડધાથી વધુ જીવન વિતાવ્યું છે. નવા સભ્યોએ તેમની પાસેથી શીખવું જોઈએ કે સમર્પણ સાથે ગૃહમાં કેવી રીતે આવવું, શક્ય તેટલું યોગદાન કેવી રીતે આપવું અને સમાજે આપેલી જવાબદારી પ્રત્યે સંપૂર્ણપણે કેવી રીતે સમર્પિત રહેવું. પ્રધાનમંત્રીએ રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહની પ્રશંસા કરી હતી. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI)ના વડા અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે અંગે હળવી ટિપ્પણી કરતાં તેમણે જણાવ્યું હતું કે આપણા આઠવલેજી હંમેશા ખુશખુશાલ રહે છે.

દેવગૌડાનો પ્રેમ અમારી સાથે, શાદી મોદી સાથેઃ ખડગેનો કટાક્ષ

સાંસદોના વિદાય પ્રસંગે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું હતું કે રાજકારણ કે જાહેર જીવનમાં લોકો ક્યારેય થાકતા નથી કે ક્યારે નિવૃત્તિ લેતા નથી અને દેશ સેવાનો જુસ્સો હંમેશા જળવાઈ રહેતો હોય છે. પૂર્વ પીએમ એચ ડી દેવગૌડા અંગે તેમણે મજાકના અંદાજમાં જણાવ્યું હતું કે હું તેમને ઘણા વર્ષોથી ઓળખું છું, પણ મને ખબર નથી કે શું થયું. પ્રેમ હમારે સાથ અને શાદી મોદીજી કે સાથ. આ તાજેતરમાં થયું, પણ મને ખબર નથી કે કેવી રીતે થયું.