ગાંધીનગરથી અમદાવાદ હવે ઊડીને પહોંચી શકશો

0
901

ગુજરાતના પાટનગર ગાંધીનગરના આંગણે વધુ એક આધુનિક સુવિધાનો ઉમેરો થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી માત્ર વીવીઆઈપી મૂવમેન્ટ અને સરકારી કામકાજ માટે મર્યાદિત રહેલી હેલિકોપ્ટર સેવા હવે સામાન્ય નાગરિકો અને બિઝનેસ સેક્ટર માટે પણ ઉપલબ્ધ બને તે દિશામાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં ટૂંક સમયમાં જ એક અદ્યતન ‘કોમર્શિયલ હેલિપેડ’નું નિર્માણ કરી ઈન્ટરસિટી હેલિકોપ્ટર સર્વિસ શરૂ કરવામાં આવશે. અત્યારે જે બાયરોડ 40 મિનિટનું અંતર જે એર ટેક્સીથી થોડી મિનિટમાં કપાઈ જશે અને ગિફ્ટ સિટી પાસે હાઈટેક હેલિપેડનું નિર્માણ થઈ શકે છે. ગુજરાતના પાટનગરને ગ્લોબલ બિઝનેસ હબ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે ગાંધીનગરમાં અત્યાધુનિક ‘કોમર્શિયલ હેલિપેડ’ નિર્માણ પામશે. વાયબ્રન્ટ ગુજરાત તેમજ ખાસ કરીને ગાંધીનગરના ગિફ્ટ સિટીને ઘ્યાને લઈ આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓના ભાગરૂપે હેલિકોપ્ટર ટેક્સી સર્વિસ શરૂ કરવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલિપેડના નિર્માણ માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી વધારવા તેમજ રાજ્યમાં વધતા જતા ઉદ્યોગ સાહસિકો અને પ્રવાસીઓને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાનો છે. ખાસ કરીને વાઈબ્રન્ટ ગુજરાત જેવી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સ દરમિયાન વિદેશી ડેલિગેટ્સ અને ઉદ્યોગપતિઓને એરપોર્ટથી સીધા ગાંધીનગર લાવવા માટે આ હેલિપેડ આશીર્વાદરૂપ સાબિત થશે. આ હેલિપેડ પર નાઈટ લેન્ડિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી શક્યતા છે જે તેને અન્ય હેલિપેડ કરતા અલગ પાડશે. આ સાથે જ નાઈટ લેન્ડિંગની વ્યવસ્થા હોવાથી 24 કલાક આ સુવિધા કાર્યરત રહી શકશે.

ઈમરજન્સી મેડિકલ સર્વિસ માટે હેલિકોપ્ટર મળી રહેશે
​તંત્ર દ્વારા આ માટે યોગ્ય જગ્યાની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરમાં નિર્માણ થનારું નવું કોમર્શિયલ હેલિપેડ માત્ર મુસાફરી માટે જ નહીં, પરંતુ આરોગ્ય સેવાઓ માટે પણ મહત્વનું કેન્દ્ર બનશે. આ હેલિપેડ પરથી એર એમ્બ્યુલન્સ ઓપરેટ કરવાની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવશે, જેથી ગંભીર દર્દીઓને તાત્કાલિક અન્ય શહેરોની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં ખસેડી શકાય. પાટનગરમાં વધતી જતી વસ્તી અને ટ્રાફિકની સમસ્યા વચ્ચે આ એર-કનેક્ટિવિટી મેડિકલ ઈમરજન્સીમાં જીવનરક્ષક સાબિત થશે.