નાગરિકોના જીવનમાં સુધારો થાય તેવો વહીવટ હોવો જોઈએઃ PM મોદી

0
1965

નાગરિકોનું જીવન સરળ બને તે માટે વહીવટતંત્રએ ઝડપથી બદલાતાં સમય સાથે આધુનિક અને સુધારાલક્ષી અભિગમ અપનાવવો જોઈએ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સંબોધનમાં જણાવ્યું હતું. સનદી સેવાઓમાં ક્ષમતા અને સંકલન વધારવા માટેની સૌથી મોટી પહેલ ‘સાધના શપથ’ (સ્ટ્રેન્થનિંગ એડપ્ટિવ ડેવલપમેન્ટ એન્ડ હ્યુમન એપ્ટિટ્યુડ ફોર નેશનલ એચિવમેન્ટ)ના વિડીયો લોન્ચિંગ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારતનો હાલનો વહીવટ નાગરિક દેવો ભવના મંત્રને કેન્દ્રમાં રાખીને ચાલી રહ્યો છે. જાહેર સેવાઓ નાગરિકોની જરૂરિયાતો પ્રત્યે વધુ સંવેદનશીલ બની છે.

જાહેર સેવકોને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, નાગરિકોના જીવનમાં સુધારો થાય તથા તેમની જીવનની ગુણવત્તા બહેતર બને તે માટે વહીવટ તંત્રએ ઉચ્ચતમ માપદંડ પ્રસ્થાપિત કરવા જોઈએ. આ સાથે જ તેમણે તેમને રોજ કંઈક નવું શીખવાની અપીલ કરી હતી. આપણાં વહીવટથી નાગરિકોના જીવનધોરણમાં રોજે રોજ સુધારો થવો જોઈએ તે જ સાચો માપદંડ છે.

સામાન્ય નાગરિકો માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાની કચેરી જ સમગ્ર સરકારનો ચહેરો હોવાની યાદ અપાવતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, અધિકારીઓની કામ કરવાની પદ્ધતિ અને વર્તણૂકથી જ લોકશાહી અને બંધારણીય સંસ્થામાં લોકોનો વિશ્વાસ ઘડાય છે. આપણે જે કંઈ પણ કરીએ, ગમે તે સ્તરેથી કરીએ પરંતુ આપણે પ્રજાના આ વિશ્વાસને જાળવી રાખવાનો છે. તે આપણી લોકશાહીનો પાયો છે. વિકસિત, પછાત અને બિમારુ રાજ્યો જેવા રાજ્યો વચ્ચેના વિવિધ તફાવતોને દૂર કરવાની હાકલ કરતાં વડાપ્રધાને આ અંતર દૂર કરવા સહિયારા પ્રયાસો કરવા પર ભાર મુક્યો હતો.

વહીવટી તંત્રમાં આવેલા મૂળભૂત પરિવર્તનનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, જૂની પદ્ધતિમાં અધિકારી હોવા પર ભાર મુકાતો હતો, જ્યારે વર્તમાન સમયમાં ફરજ પ્રત્યેની નિષ્ઠા પર વધુ ભાર અપાઈ રહ્યો છે. દરેક નિર્ણય લેતાં પહેલાં તમારી ફરજ શું છે તે અંગે વિચારશો તમારા નિર્ણયની અસરકારકતા અનેક ગણી વધી જશે.