સ્થાનિક ચૂંટણી માટે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી : ૧૦મી સુધીમાં દરમિયાન ઉમેદવારો જાહેર

0
261

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રાજ્ય ચૂંટણી પંચે બુધવારે જાહેર કરી દીધી છે. ૨૬ એપ્રિલે તમામ પંદર મહાનગરો, ૮૪ પાલિકા, ૨૬૦ તાલુકા અને ૩૪ જિલ્લા પંચાયતોમાં એક સાથે મતદાન યોજાશે. અંદાજે દસ હજાર ઉમેદવારોની પસંદગી માટે ભાજપે ૧ એપ્રિલથી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. મહાનગરોમાં વિધાનસભા મતવિસ્તાર દીઠ અને બાકીના વિસ્તારોમાં જિલ્લા, તાલુકા પંચાયતો માટે ત્રણ-ત્રણ નિરીક્ષકોના પ્રવાસ શરૂ થયા છે. અમદાવાદ મહાનગરપાલિકા માટે ગુરુવારથી નિરીક્ષકો સેન્સ લેવા માટે જશે.

એક મહિલા આગેવાન સહિત ત્રણ-ત્રણ આગેવાન કાર્યકરોને નિરીક્ષક તરીકેની જવાબદારી જિલ્લા, તાલુકા, નગરપાલિકા માટે જવાબદારી સોંપી છે. મહાનગરપાલિકા વિસ્તાર માટે વિધાનસભા મતવિસ્તાર દીઠ નિરીક્ષકો નિમવામાં આવ્યા છે. ૨૦૦થી વધારે નિરીક્ષકોને એમના વિસ્તારોની સૂચના પ્રવાસના આગળના દિવસે જ આપવામાં આવી રહી છે. ભાજપે ટિકિટવાંચ્છુઓને સુનાવણીના સ્થળે કોઇપણ પ્રકારના શક્તિપ્રદર્શનના કૃત્ય પર પ્રતિબંધ મુક્યો છે. એ જ રીતે હાલ તમામ પ્રકારના દાવેદારોના દાવા નિરીક્ષકો સ્વીકારશે. જોકે, ઉમેદવારોની આખરી પસંદગીના ધારાધોરણો પ્રદેશ ચૂંટણી સમિતિ એટલે કે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. એમ સમજાય છે કે ધારાસભ્ય, સાંસદ, સંગઠનના પદ હોય તેમના પરિવારના સભ્યને ટિકિટ મળશે નહીં. જ્યારે ત્રણ ટર્મ થઇ હોય, ૬૦થી વધુ ઉંમરના દાવેદારો પર પણ પક્ષ રોક લગાવી નવા, યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારશે. આ વખતે ઓબીસી અનામતનું ફેક્ટર ઉમેરાયું હોવાથી દાવેદારો પાસેથી જાતિ પ્રમાણપત્રના દાખલા તથા કોઇ ગુનાઇત પ્રવૃત્તિ કે ગુના દાખલ થયા નથી તેવા મતલબના સર્ટિફિકેટ પણ માગવામાં આવે તેવી શક્યતા છે.

તમામ નિરીક્ષકોને ૧થી ૩ દરમિયાન જ સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી કરવાની સૂચના છે આમ છતાંય ક્યાંય મોટો વિસ્તાર હશે તો ૪ એપ્રિલ સુધીમાં કામગીરી પૂરી કરી દેવાની રહેશે. નિરીક્ષકો સમક્ષ આવેલા દાવાઓ અને રજૂઆતો અંગે સુનાવણી માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ૬થી ૮ એપ્રિલ દરમિયાન મળશે. આ બેઠક બાદ પ્રદેશના આગેવાનો રાષ્ટ્રીય નેતૃત્વનુ માર્ગદર્શન મેળવીને ૧૦ એપ્રિલ સુધીમાં તમામ ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા છે. ૧૧ એપ્રિલ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે.

લાંબા સમયથી અટકેલી મિની વિધાનસભા સમાન ગણાતી ચૂંટણી વિધાનસભાના સત્ર પછી ગમે ત્યારે જાહેર થશે એવી અટકળોને ધ્યાનમાં રાખી ભાજપ અને કોંગ્રેસ દ્વારા વિવિધ કવાયતો શરૂ કરી દેવામાં આવીહતી. ભાજપે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને શિસ્ત સમિતિની રચનાઓ જાહેર કરી છે. મંગળવારે ચૂંટણી પ્રચાર સમિતિની જવાબદારી પ્રદેશ ઉપપ્રમુખ ભરત પંડ્યાને સોંપી છે. પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વિતેલા સપ્તાહમાં ચારેય ઝોનની બેઠકો યોજી છે. બુધવારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત ઝોનની બેઠક યોજાઇ હતી.

૨૦૨૧માં કોરોનાકાળમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપે અભૂતપૂર્વ વિક્રમી બેઠકો અને સ્થાનિક સંસ્થાઓ કબજે કરી હતી. આ પરિણામ જાળવી રાખવાનો મોટો પડકાર ભાજપ સામે છે. સ્થાનિક સ્તરે જનતાના કામો, ગેરરીતિઓના આરોપો અને છેલ્લી ઘડીએ અન્ય પક્ષોમાંથી આવેલાને ટિકિટ આપવામાં આવતી હોય છે. આવા સ્થાનિક અસંતોષને ખાળવા માટે ભાજપ સ્થાનિક ચૂંટણીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારના કામોને લઇને મેદાનમાં ઉતરાશે.