પુનઃપ્રાપ્ય ઊર્જા (Renewable Energy) ક્ષેત્રે ગુજરાતે દેશમાં નવી ઊંચાઈ સર કરી છે. રાજ્ય 16,086 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે પવન ઊર્જા (Wind Energy) ઉત્પાદનમાં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમે પહોંચી ગયું છે.ગુજરાતે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે અગ્રણી રાજ્ય તરીકેની પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી છે. મિનિસ્ટ્રી ઑફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ગુજરાતે પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા અને વીજ ઉત્પાદન બંનેમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. 30 જૂન 2026ના આંકડા મુજબ ગુજરાતમાં પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 16,086 મેગાવોટ સુધી પહોંચી છે, જે દેશના તમામ રાજ્યોમાં સર્વાધિક છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રાજ્યએ પવન ઊર્જામાંથી 33,706 મિલિયન યુનિટ (MU) વીજ ઉત્પાદન કર્યું છે, જે દેશના કુલ પવન ઊર્જા ઉત્પાદનના લગભગ એક-તૃતીયાંશ જેટલું છે.






