અમદાવાદ, ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગરના લોકસભા સાંસદ અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર લઈ રહેલા દર્દીઓની ખબર-અંતર પૂછ્યાં હતાં અને તેમને ફળ વિતરણ કર્યું હતું. ત્યારબાદ હોસ્પિટલ પરિસરમાં આવેલા કુસુમબા અન્નક્ષેત્રમાં દર્દીઓના સગાં-સંબંધીઓ અને જરૂરિયાતમંદોને ભોજન વિતરણમાં ભાગ લીધો હતો.
આ ઉપરાંત અમદાવાદના ઓગણજ વિસ્તારમાં આવેલા આંગણવાડી કેન્દ્ર-6 ખાતે બાળકોના વાલીઓને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો હેતુ બાળકોના પોષણ અને આરોગ્યને પ્રોત્સાહન આપવાનો હતો.
કાર્યક્રમોમાં અમદાવાદના મેયર હિતેશ બારોટ, નાયબ મેયર અંજનાબેન શાહ અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ તથા સ્થાનિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી સહાય પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.






