નૂતન વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં નાગરિકો સાથે કરશે શુભેચ્છાની આપ-લે

0
21

સવારે પંચદેવ મંદિરે દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરશે, મંત્રીમંડળ નિવાસ સંકુલ ખાતે યોજાશે સ્નેહમિલન કાર્યક્રમ

ગાંધીનગર : વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષના પ્રારંભ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 10 નવેમ્બરના રોજ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા વર્ષના પ્રથમ દિવસે સવારે 7:00 કલાકે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરીને દિવસની શરૂઆત કરશે. ત્યારબાદ સવારે 7:30 કલાકે અડાલજ ખાતે આવેલા ત્રિમંદિરમાં દર્શનાર્થે જશે.

ત્યારબાદ સવારે 8:00 કલાકે ગાંધીનગરના મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનિટી સેન્ટર ખાતે નાગરિકો અને શુભેચ્છકો સાથે સ્નેહમિલન કાર્યક્રમમાં ભાગ લઈ નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવશે. સવારે 8:50 કલાકે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરશે.

ગાંધીનગરના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી અમદાવાદ જશે. જ્યાં સવારે 10:00 કલાકે ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરશે અને સવારે 10:30 કલાકે શાહીબાગ સ્થિત એનેક્સી સ્ટેટ ગેસ્ટ હાઉસ ખાતે નાગરિકો સાથે શુભેચ્છાની આપ-લે કરશે. ત્યારબાદ સવારે 11:45 કલાકે શાહીબાગ-ડફનાળા સ્થિત પોલીસ ઓફિસર્સ મેસ ખાતે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવશે.

નવા વર્ષ નિમિત્તે મુખ્યમંત્રીના આ કાર્યક્રમોને લઈને ગાંધીનગર અને અમદાવાદમાં શુભેચ્છકો તથા નાગરિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકો અને વિશ્વભરમાં વસતા ગુજરાતી પરિવારોને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યથી ભરપૂર નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે.