મહાનગરપાલિકા રિંગરોડ વિસ્તાર આગળ વધી રહેલા ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ સહિતના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં શહેરમાં પ્રવેશતા મહેમાનો માટે ‘ગેટ વે પબ્લિક પ્લેસ’નું નવું આકર્ષણ ઉમેરાશે. મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં મહાત્મા મંદિર, વિધાનસભા અને હોટેલ લીલા જેવી હાઈ પ્રોફાઈલ વિસ્તારોની વચ્ચે આવેલાં વાવોળના પાંચ આંબા તળાવના આ પ્રોજેક્ટ માટે ગુડા દ્વારા તૈયાર કરાયેલ ડિઝાઈન મુજબ સ્ટ્રીટ બ્યુટિફિકેશન કરાવવા માટેના 28.30 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. જેમાં પાંચ આંબા તળાવ અને આસપાસના 0.8 કિ.મી. લાંબા રોડ કોરિડોરને આધુનિક ઓપ આપવામાં આવનાર છે.
વાવોળના પાંચ આંબા તળાવને વિકસાવવા માટે થોડા સમય અગાઉ થયેલ દરખાસ્તને કમિટી દ્વારા રદ કરવામાં આવી હતી. કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યા મુજબ તેમાં રહેલ વિસંગતતાઓમાં સુધારા સાથેની મળેલ દરખાસ્તને હવે મંજૂરી આપી આ પ્રોજેક્ટ હેઠળ 43000 ચો.મી. વિસ્તારનો વિકાસ કરાશે. જેમાં 11400 ચો.મી. વિસ્તારમાં પાર્ક અને તળાવનું ડેવલપમેન્ટ કરાશે.
નવી ડિઝાઈન મુજબ તળાવમાં જળસંચય ઉપરાંત બાયોડાયવર્સિટી સુધારવા માટે વિશાળ લેન્ડસ્કેપિંગ કરી તળાવ આસપાસ ટ્રેક, બાળકો માટે પ્લે ઝોન, વેન્ડિંગ ઝોન, ઓપન જીમ, વેન્ડિંગ ઝોન, બાથરૂમ, અમૂલ કિયોસ્ક તથા બેઠક વ્યવસ્થા ગોઠવી મહાત્મા મંદિર અને હોટેલ લીલા તરફ જતા 45 મી. અને 3 મી. રોડને પાર્ક સ્ટ્રીટ થીમ પર ડેવલપ કરાશે. જ્યાં સાઇકલ ટ્રેક, ફૂટપાથ, પાર્કિંગ ઝોન, યુટિલિટી કોરિડોર તથા ગ્રીન બેલ્ટ ઊભી કરી સુંદરતા, સુવિધા સાથે પર્યાવરણ સુરક્ષા-સંવર્ધનનું ધ્યાન રાખાશે.






