ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપનો દબદબો: 44 બેઠકમાંથી 38 પર ભાજપનો કબજો, વોર્ડ 6માં કોંગેસની પેનલ જીતી, અપક્ષને એક બેઠક

0
41

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવાની પ્રક્રિયા વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ જોરદાર પ્રદર્શન કર્યું છે. આજે સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરીના પ્રારંભિક પરિણામોમાં ભાજપે બહુમતી માટે જરૂરી 23 બેઠકોનો આંકડો પાર કરી લીધો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ સાથે ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપ ફરી સત્તા જાળવી રાખે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. પ્રારંભિક પરિણામો અનુસાર વોર્ડ નંબર 1, 3, 5 અને 9માં ભાજપની આખી પેનલનો વિજય નોંધાયો છે. જ્યારે વોર્ડ નંબર 7માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક ઉમેદવાર વિજેતા બન્યા હોવાના અહેવાલ છે.
ચૂંટણીમાં ભાજપે વિકાસના મુદ્દાઓ સાથે મતદારો સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ વિવિધ મુદ્દાઓ પર પ્રચાર કર્યો હતો. તેમ છતાં મતગણતરીના પ્રારંભિક પરિણામોમાં ભાજપે નોંધપાત્ર સરસાઈ મેળવી છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2021ની ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 44માંથી 41 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી. કોંગ્રેસને બે અને આમ આદમી પાર્ટીને એક બેઠક મળી હતી. આ વખતે પણ ભાજપનું પ્રદર્શન મજબૂત જોવા મળી રહ્યું છે. 44 બેઠકમાંથી 38 પર ભાજપનો કબજો, વોર્ડ 6માં કોંગેસની પેનલ જીતી, અપક્ષને એક બેઠક