દેશભરમાં ચોમાસું વધુ સક્રિય બનતાં ભારતીય હવામાન વિભાગ (IMD)એ દિલ્હી, મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદ, વીજળીના કડાકા અને પ્રતિ કલાક 70 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી જાહેર કરી છે. આગામી કલાકોમાં અનેક વિસ્તારોમાં હવામાનમાં અચાનક ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.IMDના જણાવ્યા અનુસાર સક્રિય બનેલા દક્ષિણ-પશ્ચિમ ચોમાસા અને વિવિધ હવામાન પ્રણાલીઓના પ્રભાવને કારણે ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. દિલ્હી-એનસીઆર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ભેજ વચ્ચે રાહત મળવાની શક્યતા છે, જ્યારે મહારાષ્ટ્ર, બિહાર અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે.હવામાન વિભાગે ચેતવણી આપી છે કે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક વ્યવસ્થામાં અવરોધ, વૃક્ષો પડવાની ઘટનાઓ તેમજ વીજ પુરવઠા પર અસર થવાની શક્યતા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનોમાં ન જવા અને સુરક્ષિત સ્થળે રહેવાની સૂચના પણ આપવામાં આવી છે.






