અમદાવાદમાં NEET રી-એક્ઝામ દરમિયાન હંગામો……

0
25

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા આર.જે. ટિબ્રેવાલ કોમર્સ કોલેજ ખાતે યોજાયેલી NEET રિ-એક્ઝામ દરમિયાન હિજાબ અને ધાર્મિક પ્રતીકોને લઈને વિવાદ સર્જાતા થોડા સમય માટે તંગદિલીનો માહોલ ઉભો થયો હતો. ઘટનાને પગલે પોલીસને તાત્કાલિક હસ્તક્ષેપ કરવો પડ્યો હતો અને પરીક્ષા કેન્દ્ર પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, પરીક્ષા શરૂ થાય તે પહેલાં સુરક્ષા તપાસ દરમિયાન એક વિદ્યાર્થીનીને હિજાબ ઉતારવા માટે કહેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીના પરિવારજનોએ આ મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો અને પરીક્ષા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ પરીક્ષા કેન્દ્રના અધિકારીઓ અને પોલીસની હાજરીમાં વિદ્યાર્થીનીને જરૂરી તપાસ બાદ હિજાબ સાથે પરીક્ષા આપવા મંજૂરી આપવામાં આવી હતી.

આ ઘટનાની જાણ થતાં પરીક્ષા કેન્દ્ર બહાર હાજર કેટલાક વાલીઓ અને અન્ય લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમનો આક્ષેપ હતો કે જો કેટલાક વિદ્યાર્થીઓને ધાર્મિક પહેરવેશ સાથે પ્રવેશ આપવામાં આવે છે, તો અન્ય વિદ્યાર્થીઓને રાખડી, કાંઠી અને અન્ય ધાર્મિક ચિહ્નો ઉતારવા માટે કેમ કહેવામાં આવે છે. આ મુદ્દે થોડા સમય માટે બોલાચાલી અને હોબાળો સર્જાયો હતો.