ગાંધીનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં ₹39 કરોડના વિકાસકામોને મંજૂરી

0
19

ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસની અધ્યક્ષતામાં મળેલી 70મી બેઠકમાં પાટનગરના વિકાસને લગતા વિવિધ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં રજૂ થયેલા કુલ 35 મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વિવિધ વિકાસકામોના 14 ટેન્ડર, 9 નીતિવિષયક દરખાસ્તો, 2 જનભાગીદારીના મુદ્દા તથા 11 મુદત અને જથ્થા વધારા સંબંધિત નિર્ણયોનો સમાવેશ થાય છે. વિવિધ વિકાસકામોના અંદાજે ₹39 કરોડના ટેન્ડરોને આખરી મંજૂરી આપવામાં આવી છે.

મનપા દ્વારા ઈન્દ્રોડા વિસ્તારમાં નવા સીસી રોડના નિર્માણ માટેની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત પાલજ ટીપી-25 વિસ્તારમાં ભૂગર્ભ ગટર તથા ડ્રેનેજ નેટવર્ક પાથરવાની કામગીરીને પણ લીલી ઝંડી આપવામાં આવી છે. આ કામો પૂર્ણ થયા બાદ સંબંધિત વિસ્તારોમાં રસ્તા તથા ગટર-ડ્રેનેજની સુવિધામાં સુધારો થવાની શક્યતા છે.

₹2.70 કરોડના બે ટેન્ડર રદ

બેઠકમાં શહેરમાં ગ્રીલ અને ફેન્સિંગની કામગીરીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. શહેરમાં ગ્રીલ/ફેન્સિંગ માટે અગાઉથી જ ₹52 કરોડનું યુનિટ રેટ ટેન્ડર અમલી હોવા છતાં વહીવટી પાંખ દ્વારા અલગથી બહાર પાડવામાં આવેલા ₹2.70 કરોડના બે ટેન્ડરને સ્ટેન્ડિંગ કમિટીએ રદ કરવાનો નિર્ણય લીધો હતો. એક જ પ્રકારની કામગીરી માટે અલગ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાના મુદ્દે કમિટીએ વહીવટી તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા.

ઘ-0થી રિલાયન્સ ચાર રસ્તા સુધી ફેન્સિંગ કામગીરી અટકાવાઈ

ઘ-0થી રિલાયન્સ ચાર રસ્તા સુધીના માર્ગ અંગે પણ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો. આ માર્ગ પાટનગર યોજના વિભાગ હસ્તક હોવાનું અને જમીન વન વિભાગની હોવાથી વિવિધ વિભાગો વચ્ચેનો વિવાદ ટાળવા માટે અહીં ફેન્સિંગની કામગીરી પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે. સાથે જ સંબંધિત અધિકારીઓને આંતર-વિભાગીય સંકલન સાથે કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી છે.

‘ગુજરાત દર્શન પાર્ક’ હજુ જમીન વિવાદમાં

ગાંધીનગરમાં આશરે ₹18 કરોડના ખર્ચે ‘વેસ્ટ ટુ વન્ડર’ થીમ પર તૈયાર થનારો ‘ગુજરાત દર્શન પાર્ક’ પ્રોજેક્ટ પણ ચર્ચામાં રહ્યો હતો. આ પ્રોજેક્ટ છેલ્લા બે વર્ષથી જમીન ફાળવણીના પ્રશ્નને કારણે આગળ વધી શક્યો નથી. શરૂઆતમાં સરગાસણ ટીપી-29 ખાતે જગ્યા નક્કી કરવામાં આવી હતી, પરંતુ ગ્રામજનોના વિરોધ બાદ સ્થળ ઈન્દ્રોડા ખાતે ખસેડવાની વિચારણા થઈ હતી. ત્યાં પણ વિરોધના કારણે હવે બોરીજ ખાતે સ્થળાંતરની ચર્ચા ચાલી રહી છે.

બોરીજ ખાતે પ્રોજેક્ટ માટેની જમીન અંગે પણ મંત્રી નિવાસસ્થાનને કારણે સુરક્ષાનો મુદ્દો ઊભો થયો હોવાનું સામે આવ્યું છે. પરિણામે બે વર્ષ અગાઉ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોવા છતાં જમીન ઉપલબ્ધ ન થતાં પ્રોજેક્ટની મુદત વધુ એક વર્ષ લંબાવવાની ફરજ પડી છે.

સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં પાયાની સુવિધાઓના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. જોકે, સાથે જ ટેન્ડર પ્રક્રિયા, વિભાગીય સંકલન અને જમીન ફાળવણી જેવા મુદ્દાઓને કારણે કેટલાક મહત્વના પ્રોજેક્ટમાં વિલંબ થતો હોવાનો મુદ્દો પણ સ્પષ્ટ થયો છે.