અગ્નિવીર બનવાની તક : ગુજરાતના 21 જિલ્લાઓ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના યુવાનો માટે 13 ઓક્ટોબરે ભરતી રેલી

0
46

અમદાવાદ, મંગળવાર: ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા ઇચ્છતા ગુજરાતના યુવાનો માટે મહત્વપૂર્ણ તક સામે આવી છે. નાગપુર સ્થિત સૈન્ય ભરતી કચેરી દ્વારા 13 ઓક્ટોબર, 2026ના રોજ ચંદ્રપુર જિલ્લાના વિસાપુર ખાતે આવેલા તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અગ્નિવીર (ક્લાર્ક/SKT) માટે ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી રેલીમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ બે કેન્દ્રશાસિત પ્રદેશોના શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો ભાગ લઈ શકશે.

ભરતી રેલીમાં અમદાવાદ, અરવલ્લી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, નવસારી, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, ડાંગ, તાપી, વડોદરા, વલસાડ અને વાવ-થરાદ સહિત કુલ 21 જિલ્લાઓના ઉમેદવારોને તક આપવામાં આવી છે. આ ઉપરાંત દમણ તથા દાદરા અને નગર હવેલીના ઉમેદવારો પણ ભરતી રેલીમાં ભાગ લઈ શકશે.

સૈન્ય ભરતી કચેરી દ્વારા જણાવ્યા મુજબ, આ ભરતી પ્રક્રિયા માટે 15 સપ્ટેમ્બર, 2026ના રોજ શોર્ટલિસ્ટ થયેલા તમામ ઉમેદવારોને તેમના રજિસ્ટર્ડ ઇમેઇલ આઇડી પર પ્રવેશપત્ર મોકલી આપવામાં આવ્યા છે. તેથી ઉમેદવારોએ પોતાના ઇમેઇલની તપાસ કરી પ્રવેશપત્ર મેળવવું જરૂરી છે. ભરતી રેલીમાં હાજરી આપવા માટે ઉમેદવારોએ પ્રવેશપત્ર સાથે જરૂરી દસ્તાવેજો અને ભરતી પ્રક્રિયા માટે સૂચવવામાં આવેલી તમામ આવશ્યકતાઓનું પાલન કરવું રહેશે.

ઉમેદવારો ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર પોતાના યુઝરનેમ અને પાસવર્ડથી લૉગિન કરીને ભરતી રેલીનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોએ પ્રવેશપત્રમાં આપવામાં આવેલી તારીખ, સમય, સ્થળ અને અન્ય સૂચનાઓને ધ્યાનપૂર્વક વાંચી તેનું પાલન કરવાનું રહેશે.

સૈન્યમાં અગ્નિવીર તરીકે જોડાવા ઇચ્છતા યુવાનો માટે આ ભરતી રેલી મહત્વપૂર્ણ તક હોવાથી શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ સમયસર જરૂરી તૈયારી પૂર્ણ કરી રાખવાની સલાહ આપવામાં આવી છે. પ્રવેશપત્ર વિના ભરતી સ્થળે પ્રવેશ અંગે મુશ્કેલી ઊભી થઈ શકે છે, તેથી ઉમેદવારોએ પ્રવેશપત્રની પ્રિન્ટ તથા જરૂરી દસ્તાવેજો અગાઉથી તૈયાર રાખવા જરૂરી છે.

ભરતી સંબંધિત કોઈપણ માહિતી, માર્ગદર્શન અથવા પૂછપરછ માટે ઉમેદવારો અમદાવાદ સ્થિત સૈન્ય ભરતી કચેરીનો ફોન નંબર 079-22861338 પર સંપર્ક કરી શકે છે. સૈન્ય ભરતી કચેરી દ્વારા ઉમેદવારોને ભરતી અંગેની સત્તાવાર માહિતી માટે માત્ર ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ અને અધિકૃત સૂચનાઓ પર આધાર રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.