ઘ અને ગ-ચારના માર્ગ ઉપર અંડરપાસ બનશે

0
1664

ગાંધીનગરનું કરોડરજ્જુ સમાન સેન્ટ્રલ વિસ્ટાની એકસુત્રતા જળવાય તે અંતર્ગત સ્માર્ટસીટીના ભાગરૂપે ઘ-૪ અને ગ-૪ જંકશન ઉપર અંડરપાસ બનાવવામાં આવનાર છે. ૬૯.૭૪ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટની કામગીરીનો પ્રારંભ થઇ ગયો છે અને ઘ-૪ સર્કલ ફરતે લીલુ કપડું બાંધીને ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. તબક્કાવાર ટ્રાફિકનું ડાર્યવઝન કરીને બે વર્ષમાં આ બંને અંડરપાસ  તૈયાર કરી દેવામાં આવશે. આ બંને અંડરપાસ બન્યા બાદ વિધાનસભાથી મહાત્મા મંદિરનો સળંગ સેન્ટ્રલ વિસ્ટા બની જશે.

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે એક જ લાઇનમાં પ્રેરણા, પુરુષાર્થ અને પરિણામ એમ ત્રણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતાં. પ્રેરણારૂપી મહાત્મા મંદિર તૈયાર થયા બાદ તેની સામે વિધાનસભાનું પણ પુરુષાર્થરૂપી નવું રૂપ તૈયાર થઇ ગયું છે. જો કે વિધાનસભાની પાછળના ભાગમાં નદી કિનારે પરિણામરૂપી પંચામૃતભવન બનાવવાનું હતું અહીં હજારો વૃક્ષો કપાતાં હોવાના કારણે પંચામૃતભવનનો પ્રોજેક્ટ પડતો મુકવામાં આવ્યો હતો. ત્યારે વિધાનસભાથી મહાત્મા મંદિર સુધી સેન્ટ્રલ વિસ્ટા બનાવી પ્રેરણા અને પુરુષાર્થ વચ્ચે એકસુત્રતા જળવાય તે હેતુ હતો પરંતુ ઘ-૪ અને ગ-૪ જંકશનના કારણે સેન્ટ્રલ વિસ્ટાની એકસુત્રતા જળવાતી નથી.

એટલું જ નહીં ઘ-૪ જકંશન ઉપર છ રસ્તા ખુલતા હોવાથી ટ્રાફિકની અડચણ પણ ઘણી રહે છે. જેથી સેન્ટ્રલ વિસ્તારના મંજુર થયેલા નકશા અનુસાર સેન્ટ્રલ વિસ્ટા ડેવલોપ કરવા માટે સેન્ટ્ર વિસ્ટા ઘ-૪ અને ગ-૪ ઉપર અનુક્રમે  ઘ અને ગ રોડ ઉપર વેહીકુલર અંડરપાસ ગાંધીનગર સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ અંતર્ગત બનાવવામાં આવનાર છે. રૂપિયા ૬૯.૭૪ કરોડના ખર્ચે આ બંને કામનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે માટે પ્રથમ ઘ-૪ સર્કલ પાસે કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.રૂપિયા ૬૯.૭૪ કરોડના આ પ્રોજેક્ટ અંતર્ગત ઘ-૪ અને ગ-૪ જંકશન ઉપર બે અન્ડરપાસ બનાવવામાં આવનાર છે. ત્યારે ઘ-૪ ઉપર ઘ-રોડને સમાંતર ૮૪૭ મીટર લંબાઇનો અન્ડરપાસ બનશે. જેમાં ૧૬૩ મીટર લંબાઇનું બોક્સ હશે જેની ઉપર સેન્ટ્રલ વિસ્ટા આવશે. તો ૩૩૪.૫૦ મીટરની લંબાઇનો એપ્રોચ ઘ-૩ બાજુ જ્યારે ૩૪૯.૫૦ લંબાઇનો એપ્રોચ ઘ-૫ બાજુ અપાશે. આ અંડરપાસની પહોળાઇ ૧૭.૧૦ મીટર રહેશે. આવી જ રીતે ગ રોડને સમાંતર ૮૭૯ મીટરનો અંડરપાસ બનશે. જેમાં બોક્સની લંબાઇ ૧૮૫ મીટર રહેશે. ગ -૩ બાજુ એપ્રોચની લંબાઇ ૩૨૯.૫૦ મીટર જ્યારે ગ-૫ બાજુ ૩૬૪.૫૦ મીટર ની લંબાઇનો એપ્રોચ રહેશે. આ અંડરપાસની પહોળાઇ ૧૫.૨૦ મીટર રાખવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here