મહારાષ્ટ્રમાં સરકાર રચવાના પ્રયાસોની વચ્ચે શિવસેના નેતા સંજય રાઉત એ મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યુ છે કે પાંચ વર્ષ માટે શિવસેનાના જ મુખ્યમંત્રી હશે. તમામ પાર્ટી શિવસેનાના મુખ્યમંત્રી મુદ્દે રાજી થઈ ગયા છે. તેની સાથે જ પૂર્વ ગઠબંધન સહયોગી ભારતીય જનતા પાર્ટી ની સાથે સરકાર બનાવવાની વાત પર તેઓએ કહ્યુ કે હવે તમામ રસ્તા બંધ થઈ ગયા છે. રાઉતે કહ્યુ કે, જો બીજેપી ઈન્દ્રનું સિંહાસન આપશે તો પણ અમે તૈયાર નહીં થઈએ.
પત્રકારો સાથેની વાતચીતમાં શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યુ કે, બે દિવસમાં મુખ્યમંત્રીને લઈ નિર્ણય લેવાઈ જશે. તેઓએ કહ્યુ કે, મહારાષ્ટ્રની જનતા અને શિવસૈનિક ઈચ્છે છે કે ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્યમંત્રી બને. બીજી તરફ એવી ચર્ચા ચાલી રહી છે કે ઉદ્ધવ ઠાકરે જો મુખ્યમંત્રી પદ નથી સ્વીકારતા તો એનસીપી સંજય રાઉતનું નામ મુખ્યમંત્રી પદ માટે રજૂ કરી શકે છે.
સંજય રાઉતે કહ્યુ કે, મહારાષ્ટ્રની નવી સરકારની રચના શિવસેનાના નેતૃત્વમાં થશે. બીજી તરફ, સરકાર રચવા માટે દાવ રજૂ કરવાના સવાલ પર રાઉતે કહ્યુ કે, કૉંગ્રેસ, એનસીપી અને શિવસેનાના વરિષ્ઠ નેતાઓઅની બેઠક યોજાવાની છે. આ બેઠક બાદ અમે નિર્ણય લઈશું કે સરકાર રચવા માટે રાજ્યપાલની સમક્ષા ક્યારે દાવો રજૂ કરવાનો છે. રાઉતે કહ્યુ કે, રાજ્યમાં ટૂંક સમયમાં જ સરકારની રચના થઈ જશે.