સાદગી ના પ્રતિબિંબ સમા સાબરમતી આશ્રમ નું ૧૨૦૦ કરોડ ના ખર્ચે નવીનીકરણ…….!!!!!!

0
1018

શાંત, સૌમ્ય અને સરળ ગાંધી બાપુના સ્વભાવના પ્રતિબિંબ સમા સાબરમતી આશ્રમનો ૧૨૦૦ કરોડના ખર્ચે તેના ૧૯૪૯ના માળખા મુજબ કાયાકલ્પ કરવાના સરકારના પ્રસ્તાવનો ચારે બાજુથી વિરોધ થઈ રહ્યો છે. જોકે, આ પ્રસ્તાવની સંપૂર્ણ પરિકલ્પના સરકારે હજી બહાર પાડી નથી, તેથી લોકોના મનમાં આ અંગે ઘણી અસમંજસ ઊભી થઈ રહી છે. ૧૨૦૦ કરોડ જેવી મોટી રકમ સાંભળીને ગાંધીવાદી લોકોએ આનો આકરો વિરોધ નોંધાવ્યો છે. ગાંધીજીની વિચારધારાને અનુસરતા લોકોનો મત છે કે બાપુ પોતાનું આખું જીવન સાદગી અને કરકસર સાથે જીવ્યા, હવે તેમના આશ્રમ પાછળ ૧૨૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવે તે તેમની વિચારધારાથી સદંતર વિરોધી છે.

સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે ગાંધી આશ્રમ મોટી જમીનમાં પથરાયેલો છે અને તેનું સંચાલન કુલ વિવિધ પાંચ સ્વાયત ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, જેમાં સાબરમતી આશ્રમ પ્રિવેન્શન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ (SAPMT), સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ, હરિજન સેવક સંઘ, ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ અને હરિજન આશ્રમ ટ્રસ્ટનો સમાવેશ છે. સરકારે આ સંદર્ભે આ તમામ ટ્રસ્ટ સાથે આશ્રમના નવનિર્માણ માટે વાતચીત શરૂ કરી છે. દરમિયાન કેટલાંક ગાંધીવાદીઓ નારાજ છે. 140 જેટલા ગાંધીવાદીઓએ અને કર્મશીલોએ પત્ર લખીને તેની સામે પ્રખર વિરોધ નોંધાવ્યો છે. તેમનું માનવું છે કે આટલા જંગી ખર્ચમાં ગાંધીજીની સાદગી ખોવાઈ જશે. આ યોજના ગાંધીવિચારની વિરુદ્ધ છે. જો આ પ્રોજેક્ટનું અમલીકરણ કરાશે તો બાપુનું સૌથી અધિકૃત સ્મારક વ્યાપારીકરણમાં ખોવાઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here