ગુજરાતના ખેડૂતોની ડુંગળી પંજાબ અને દિલ્હી જશે….

0
293

ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો રાજ્ય સરકારથી નારાજ ચાલી રહ્યા છે. ખેડૂતો પોતાના ડુંગળીના પાકને નાશ કરી રહ્યા છે. ત્યારે હવે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાવનગરમાં ડુંગળી ઉત્પાદક ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકત દરમિયાન ભગવંત માને ખેડૂતોને ડુંગળીનો પાક નષ્ટ ન કરવાની અપીલ કરી હતી અને ખેડૂતોને ખાતરી આપતા માને કહ્યુ હતુ કે, ગુજરાતના ખેડૂતોની ડુંગળી પંજાબ અને દિલ્હીની સરકાર વ્યાજબી ભાવે ખરીદશે. ભગવંત માન ભાવનગરમાં આયોજીત 201 કન્યાના સમૂહ લગ્નમાં હાજરી આપવા માટે આવ્યા હતા. જ્યારે ભગવંત માનને જાણ થઈ કે, ભાવનગરમાં ડુંગળી ઉત્પાદક ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહ્યા નથી ત્યારે માન ભાવનગરમાં ખેડૂતો સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા અને ખેડૂતોની ડુંગળી ખરીદવાની તૈયારી દર્શાવી હતી.ભગવંત માને એવા સમયે ડુંગળીની ખરીદીની તૈયારી દર્શાવી છે, જ્યારે રાજ્યમાં વિધાનસભાનું સત્ર ચાલુ રહ્યુ છે. સૌરાષ્ટ્રનાં ખેડૂતો ડુંગળીના ભાવ યોગ્ય ન મળવાને કારણે છેલ્લા ઘણા સમયથી પરેશાન છે. ખેડૂતોનું કહેવુ છે કે, ડુંગળીના પાક માટે જેટલી કિંમતનો ખર્ચ કર્યો છે તે ખર્ચ પુરતા પણ પૈસા મળી રહ્યા નથી. 20 કિલો ડુંગળીના પાકના વાવેતર મટે 250 રૂપિયા ખર્ચ થાય છે જ્યારે હાલ ખેડૂતોને 100થી 150 રૂપિયા ભાવ મળી રહ્યા છે. જેથી ખેડૂતોને પ્રતિ એકર 20 હજાર રૂપિયાનું નુક્સાન થઈ રહ્યું છે. જે રીતે મહારાષ્ટ્રમાં લાસલગામ ડુંગળીનું પુષ્કળ ઉત્પાદન થાય છે તે રીતે ગુજરાતના સૌરાષ્ટ્રમાં પણ ડુંગળીનું પુષ્કળ ઉત્પાદન થાય છે.