CAA અને NRCના વિરોધમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ : અમદાવાદનો કોટ વિસ્તાર સજ્જડ બંધ

0
853

સીએએ-એનઆરસીના કાયદા વિરોધમાં રાષ્ટ્રીય સંગઠનો ઉપરાંત લઘુમતી સંસ્થાઓ આપેલાં ભારત બંધને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. અમદાવાદ શહેરમાં કોટ વિસ્તાર ઉપરાંત લઘુમતી પ્રભાવિત વિસ્તારો સજ્જડ બંધ રહ્યા હતાં જયારે પશ્ચિમ વિસ્તારમાં બંધની કોઇ અસર જોવા મળી ન હતી.માત્ર અમદાવાદ જ નહીં, સુરત,રાજકોટ,ભાવનગર,ભરૂચ,ગોધરા સહિત રાજ્યભરમાં લઘુમતી વિસ્તારોમાં લોકોએ ધંધા-વેપાર બંધ રાખીને શાંતિપૂર્ણ રીતે સીએએ-એનઆરસીના કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો.

અમદાવાદમાં ભારત બંધની અસર જોવા મળી હતી. ખાસ કરીને શાહપુર,ખાનપુર, ત્રણ દરવાજા,ઢાલગરવાડ, રિલિફ રોડ,કાલુપુર, દરિયાપુર, જમાલપુર, નારોલ, વટવા, દાણિલિમડા, સરખેજ અને જુહાપુરામાં લોકોએ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખી હતી જેના કારણે સવારથી જ લઘુમતી પ્રભાવિત વિસ્તારોમાં બંધની અસર જોવા મળી હતી. બંધને પગલે શહેરના હાર્દ સમાન લાલ દરવાજા વિસ્તાર પણ સૂમસામ ભાસતો હતો.

બજારો સજ્જડ બંધ રહ્યા હતાં જેના કારણે કરફ્યુ જેવો માહોલ જણાયો હતો. સામાન્ય દિવસોમાં આ જ વિસ્તારો લોકોની અવરજવરથી ધમધમતા હોય છે. તેમાં ય રીક્ષાચાલકો પણ બંધમાં જોડાયા હતાં જેના કારણે રસ્તા પર વાહનોની પાંખી અવરજવર જોવા મળી હતી. કોટ વિસ્તારમાં તો શટલ રીક્ષાઓ બંધ રહેતાં ભારત બંધને જાણે સમર્થન મળ્યુ હોય તે જણાયુ હતું.

સીએએ-એનઆરસીના કાયદા વિરોધમાં બંધના એલાનને પગલે સવારથી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. કયાંક કાંકરીચાળો ન થાય તે માટે પોલીસ પેટ્રોલિંગ શરૂ કરાયુ હતું. રેપિડ એક્શન ફોર્સ પણ વિવિધ સંવેદન શીલ વિસ્તારોમાં મોરચો સંભાળ્યો હતો. એટલું જ નહીં, અસામાજીક તત્વો તકનો લાભ ન લે માટે પોલીસ એલર્ટ રહી હતી.મહત્વની વાત એ છેકે, આ વખતે બંધમાં કયાંય કાંકરીચાળો થયો ન હતો.

બાવળા-બગોદરા હાઇવે પર બામસેફના કાર્યકરો નેશનલ હાઇવે પર ટાયરો સળગાવ્યા હતાં જેના કારણ હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ થયો હતો. જોકે, પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકોના ટોળાને વિખેર્યા હતાં. પોલીસે વિરોધ કરી રહેલાં બામસેફના કાર્યકરોની અટકાયત સુધ્ધાં કરી હતી. આ ઉપરાંત ગોધરા,સુરત,રાજકોટ,ભાવનગર,ભરૂચ,જામનગર, જૂનાગઢ,વલસાડ,નસવાડી ,મોડાસા,પાલનપુર સહિત રાજ્યભરમાં લઘુમતી પ્રભાવિત વિસ્તારોમાં બજારો સજ્જડ બંધ રહ્યા હતાં. બંધને દલિત-માલધારી સહિત અન્ય સંસ્થાઓ  સમર્થન જારી કર્યુ હતુ.

આમ, બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો.એટલું જ નહીં, બંધ દરમિયાન કોઇ અનિચ્છિય ઘટના બની ન હતી અને બંધ શાંતિપૂર્ણ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here