ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આજે કોરોનાના વધુ 71 નવા કેસ નોંધાયા છે, જ્યારે 4 લોકોનાં મોત થયા છે. કોરોનાના કારણે કચ્છમાં આજે પ્રથમ મોત થયું છે. માધાપરમાં 62 વર્ષીય દર્દીનું મોત થયું છે. આ સાથે કુલ મૃત્યુઆંક 34 થયો છે. જ્યારે રાજ્યમાં જીવલેણ વાયરસથી સંક્રમિતોની સંખ્યા 766 પર પહોંચી ગઈ છે.
રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે આણંદમાં 6 અને બનાસકાંઠામાં 4 નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 792એ પહોંચી છે. જ્યારે બોટાદના પ્રથમ પોઝિટિવ કેસનું મોત નીપજતા કુલ મૃત્યાંક 34એ પહોંચ્યો છે. નોંધનીય છેકે, રાજ્યના આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રેસ રિલિઝમાં રાજ્યના બુધવાર સાંજ સુધીના 766 પોઝિટિવ કેસ કહ્યાં છે, જેમાં વડોદરામાં 121 અને સુરતમાં 51 કેસ બતાવવામાં આવ્યા છે, પરંતુ સુરત મનપા કમિશનર પ્રમાણે સુરતમાં કુલ 64 દર્દી છે, જ્યારે વડોદરા મનપા કમિશનર મુજબ વડોદરામાં 124 પોઝિટિવ દર્દી છે. એ પ્રમાણે બુધવાર સાંજ સુધીમાં 781 કેસ નોંધાયા હતા અને જે વધીને હવે 791 થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 116 કેસ નોંધાયા છે. આજે જે 71 નવા કેસ નોંધાયા છે તેમાં અમદાવાદમાં સૌથી વધુ 46 કેસ નોંધાયા છે, જ્યારે સુરતમાં 3, વડોદરામાં 5, રાજકોટમાં 06, ભરૂચ-2, આણંદ 7, નર્મદા – 2 કેસ નોંધાયા છે. આજે જે ત્રણ દર્દીના મૃત્યુ થયા છે તે તમામ ત્રણ મહિલાઓ હતી અને અમદાવાદના હતા. એક 40 વર્ષીય, બીજા 65 વર્ષના મહિલા જેમને ડાયાબિટિસ અને ફેફસાની બીમારી પણ હતી. જ્યારે ત્રીજી મહિલા 55 વર્ષના હતા જેમને હ્રદયની બીમારી હતી.