કેવડિયા કોલોની ખાતે 31મી ઓક્ટોબરના રોજ એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં વડાપ્રધાન મોદી હાજર રહેવાના હોવાથી આ દિવસે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. આ અંગે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સીઈઓ (CEO) આઈ.કે.પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જરૂરી માહિતી આપી હતી. નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7.30 કલાકે હેલિપેડ પર આવી પહોંચશે. અહીંથી તેઓ સીધા સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા પાસે પહોંચશે અને 8:15 વાગ્યે સરદાર પટેલના ચરણ પૂજન કરશે.
જે બાદમાં 8.30 કલાકે પરેડ ગ્રાઉન્ડ હાજરી આપશે, તેમજ પ્રદર્શનને ખુલ્લું મૂકશે. વડાપ્રધાન મોદી 9.00 કલાકે પોલીસ અધિકારીઓને તેમજ ઉપસ્થતિ લોકોને સંબોધન કરશે. 9.45 કલાકે પ્રોબેશનરી સનદી આધિકારીઓને સંબોધન કરશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી વિવધ પ્રકલ્પોની મુલાકાત તેમજ ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદી સાંજે પાંચ વાગ્યા સુધી કેવિડયા કોલોની ખાતે રોકાશે.સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે વિશેષ સુવિધાઓ ઉભી કરી ટિકિટ ટાઇમિંગમાં વધારો કરવામાં આવ્યો છે. હવેથી સવારે 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી પ્રવાસીઓને ટિકિટ મળશે. જોકે, 31મી ઓક્ટોબરના રોજ પીએમ આવવાના હોવાથી આ દિવસે પ્રવાસીઓને ટિકિટ નહીં મળે.