PM મોદી :વાઇબ્રન્ટ સમિટ વિશ્વ માટે બ્રાન્ડિંગ, મારા માટે સફળ બોન્ડિંગ…

0
181

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાના સાયન્સ સિટીની ઘરતી પરથી ગર્વ સાથે કહ્યું હતું કે ગુજરાત વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ એ દુનિયા માટે બ્રાન્ડીંગ હશે પરંતુ તે મારા માટે સફળ બોન્ડીંગ છે. મેં ૨૦૦૩માં એક બીજ રોપ્યું હતું જે અત્યારે વટવૃક્ષ બની ચૂક્યું છે. અહીં આવીને ભૂતકાળને વાગોળું છું ત્યારે મને લાગે છે કે હું ૨૦ વર્ષ નાનો થઇ ગયો છું. જીવનમાં આનાથી વધારે સંતોષ શું હોઇ શકે છે.

ગુજરાતની મુલાકાતે આવેલા મોદીએ સાયન્સ સિટીમાં વાયબ્રન્ટ સમિટના ૨૦ વર્ષની ઉજવણી કરી હતી. આ પ્રસંગે રાજદ્વારીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને ઉદ્યોગજૂથના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા. તેમણે સમિટ ઓફ સક્સેસ પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ૨૦ વર્ષથી સફળતા પછી રોકાઇ જવાનો આ સમય નથી. આગળના ૨૦ વર્ષ ખૂબ મહત્વના છે. જ્યારે ૪૦ વર્ષ પૂર્ણ થશે ત્યારે ભારત સ્વતંત્રતાના ૧૦૦ વર્ષની નજીક હશે.મોદીએ કહ્યું કે વાયબ્રન્ટ સમિટની મેં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે વિદેશી મહેમાનોને રોકાવા માટેની હોટલો પણ પર્યાપ્ત માત્રામાં ન હતી. ગેસ્ટહાઉસ પણ ફુલ જઇ જતા હતા. ૨૦૦૯માં મેં એવા સમયે વાયબ્રન્ટ સમિટ કરી હતી કે જ્યારે વિશ્વમાં મંદીનો સમય હતો. એ સમયે મને બઘાં કહેતા હતા કે સમિટ રદ કરી દો પરંતુ હું ડગ્યો ન હતો. નિષ્ફળતા મળે તો પણ આદત છૂટવી ન જોઇએ. આજે આ સમિટમાં ૧૩૫ દેશો અને ૪૦ હજારની વધારે ડેલિગેટ્સ જોડાય છે. ૨૦ વર્ષની ઉજવણીમાં સામેલ થતાં ખૂબ ખુશી છે.