અજય દેવગણે ‘ભોલા’ ફિલ્મને પ્રમોટ કરવા અમદાવાદની મુલાકાત લીધી

0
561

અજય દેવગણ અને તબુ સ્ટારર ફિલ્મ ‘ભોલા’ આગામી 30 માર્ચે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મના માર્કેટિંગમાં જોરશોરથી જોડાયેલા અભિનેતા અજય દેવગણે ફિલ્મમાં એક્ટિંગની સાથે જ, ડિરેક્ટર તરીકેની જવાબદારી પણ સંભાળી છે. ફિલ્મના શાનદાર પોસ્ટર્સ અને ટાઈટલ સાથે ચર્ચા જગાવનાર ફિલ્મ ‘ભોલા’ના ટ્રેલરે પણ ઓડિયન્સ વચ્ચે ઉત્સાહ જગાવ્યો છે. રવિવારે અજય દેવગણે ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ સ્થિત એનવાય સિનેમાની મુલાકાત લીધી હતી અને ફિલ્મ વિષે વાત કરી હતી.

ફિલ્મમાં ડિરેક્શન અને એક્ટર તરીકેની જવાબદારી નિભાવવા પર અજયે જણાવ્યું હતું કે, ‘અમે ફિલ્મની શરૂઆત કર્યા પહેલાં દરેક ડિપાર્ટમેન્ટ માટે પૂરતું પ્લાનિંગ કર્યું હતું. એક્શન સિક્વન્સ કેવી રીતે ભજવાશે અને તેને કયા કેમેરા એન્ગલથી શૂટ કરવામાં આવશે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કારણે જ, ફિલ્મ શૂટિંગનું કામ આસાન બન્યું હતું.’  અજય દ્વારા ફિલ્મમાં ત્રિશૂલ સાથે ખાસ એક્શન સિક્વન્સ પરફોર્મ કરવામાં આવી છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘ફિલ્મનું ટાઈટલ ‘ભોલા’ છે અને તમે શિવજી વિશે તો જાણો જ છો. જયારે અધર્મનો વિનાશ કરવાનો હોય ત્યારે તેઓ ત્રિશૂલ ઉઠાવતા હતા. આ કારણે ‘ભોલા’માં પણ વિલનનો ખાત્મો કરવા હથિયાર તરીકે અમે ત્રિશૂલને સામેલ કરવાનું વિચાર્યું હતું.’

‘ભોલા’ને 3D વર્ઝનમાં શૂટ કરવા વિષે અજયે કહ્યું હતું કે, ‘ફિલ્મને 3Dમાં બનાવવાનો નિર્ણય લીધા બાદ, 3D વર્ઝન માટે જરૂરી દરેક વાતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. સારા પ્લાનિંગના કારણે એક સારું પ્રોડક્શન દર્શકો સામે રજૂ કરી શકાય છે. આજથી ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરુ થઈ ગયું છે અને ફિલ્મની રિલીઝ પહેલા તેને મળી રહેલા પ્રેમથી હું અભિભૂત છું. ઓડિયન્સ ફિલ્મ જોશે ત્યારે તેમને અનેક એક્શન સિકવન્સ 3Dમાં જોઈને પસંદ આવશે.’