અમદાવાદ સાયાબર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ

0
236

ગુજરાતમાં જે રીતે એમડી ડ્રગ્સ, ગાંજો સહિત માદક પદાર્થો અલગ અલગ જગ્યાએથી પોલીસ પકડી રહી છે. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. દુનિયાના અલગ અલગ દેશોમાંથી ભારત અને તેમાં પણ અમદાવાદ ખાતે પોસ્ટ ઓફિસમાં પુસ્તકો અને રમકડા મારફતે ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું જેનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. તમે જાણીને ચોંકી જશો કે કઈ રીતે અલગ અલગ ચીજ વસ્તુઓમાં ડ્રગ્સને સપ્લાય કરવામાં આવતું હતું.

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરીનું રેકેટ પકડાયું

સોશિયલ મીડિયાનો ઉપયોગ જેટલો જ ફાયદા માટે થઈ રહ્યો છે તેટલો જ તેનો ઉપયોગ નુકસાનકારક પણ થઈ રહ્યો છે. કેમકે આજે સૌથી વધુ યુવાધનને નુકસાન કરતો માદક પદાર્થ હોય તો તે ડ્રગ્સ છે. હવે યુવાઓ આ ડ્રગ્સ પણ ઓનલાઈન અને વિદેશથી મંગાવતા થઈ ગયા હોવાના કિસ્સા વધી રહ્યા છે. તાજેતરમાં જ અમદાવાદ સાઈબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગ દ્વારા એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરીનું રેકેટ પકડી પાડવામાં આવ્યું છે. અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસ ખાતે અલગ અલગ પાર્સલો આવેલા હતા. જેમાં ડ્રગ્સ હોવાની માહિતીને આધારે પોલીસ દ્વારા ખાસ તેની ચકાસણી કરવામાં આવી હતી. પોસ્ટ ઓફિસમાં આવેલા આ જથ્થામાં મુખ્યત્વે પુસ્તકો અને રમકડા હતા. આ પુસ્તકો અને રમકડામાં ડ્રગ્સ હોવાની માહિતી મળતા જ તાત્કાલિક પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. છેલ્લા એક મહિનાની અંદર અલગ અલગ દેશમાંથી 20 જેટલા કુરિયરો આવેલા હતા. જેની ચકાસણી કરતા તેમાંથી ગાંજો અને કોકેઇન જેવા નશીલા પદાર્થ મળી આવ્યા હતા. પોલીસે આ કુરિયર મારફતે આવેલા કોકિન કે જે 2.31 ગ્રામ જેની કિંમત ₹2,31,000 માનવામાં આવે છે તેમજ ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો કે જે પાંચ કિલોથી વધુ અને જેની કિંમત 46 લાખથી વધુ માનવામાં આવે છે. કુલ મળી 48 લાખથી વધુનો મુદ્દા માલ કબ્જે કર્યો હતો.