અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટનાએ શહેરમાં હડકંપ મચાવ્યો છે. 19 ઓગસ્ટના રોજ ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થી પર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો, જેના પગલે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું 20 ઓગસ્ટની સવારે મણિનગરની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં આક્રોશ ફેલાવ્યો, જેના પરિણામે સ્કૂલમાં તોડફોડ અને હિંસક ઘટનાઓ બની. હાલ આ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે, અને મૃતકની અંતિમયાત્રા દરમિયાન તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાન્ચ એલર્ટ મોડમાં છે.મળતી માહિતી અનુસાર, આ ઘટના 19 ઓગસ્ટના રોજ સેવન્થ ડે સ્કૂલમાં બની, જ્યાં એક અઠવાડિયા પહેલાં બનેલી ધક્કામુક્કીની ઘટનાને લઈને ધો. 8 અને ધો. 10ના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલો વધી ગયો કે ધો. 8ના વિદ્યાર્થીએ ધો. 10ના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક મણિનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. પોલીસે પ્રાથમિક રીતે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધ્યો હતો, જે હવે હત્યામાં ફેરવાયો છે. આરોપી વિદ્યાર્થી, જે સગીર છે અને શાહઆલમનો રહેવાસી છે, તેની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.






