સ્માર્ટ સિટી અમદાવાદમાં સુભાષ બ્રિજનું પત્યું નથી ત્યાં ફરી એક બ્રિજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા આશ્રમ રોડ પર આવેલો ઇન્કમટેક્સ ફ્લાયઓવર હવે વાહનચાલકો માટે મોતનો ફાંદ બની શકે તેવી સ્થિતિમાં છે. માત્ર પાંચ વર્ષ પહેલાં બનેલા આ બ્રિજના જોઈન્ટ એક્સપાન્શન તૂટી જતાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.આશ્રમ રોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે બનાવવામાં આવેલા ઇન્કમટેક્સ બ્રિજ પર ઠેર-ઠેર ભયજનક તિરાડો અને નુકસાન જોવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર બાટા સર્કલથી ઉસ્માનપુરા તરફ જતાં કાલુપુર બેંક પાસે બ્રિજના જોઈન્ટ એક્સપાન્શન તૂટી ગયા છે. અહીં સ્થિતિ એટલી ગંભીર છે કે તૂટેલા ભાગમાંથી બ્રિજની નીચેની અવરજવર સ્પષ્ટ જોઈ શકાય તેવી મોટી ગેપ પડી ગઈ છે. બીજી તરફ, ઉસ્માનપુરાથી બાટા સર્કલ તરફ જતાં આયકર ભવન પાસે બ્રિજ પરના લોખંડના બોલ્ટ બહાર આવી ગયા છે. આ ઉઘાડા બોલ્ટ ગમે ત્યારે કોઈ મોટા અકસ્માતને નિમંત્રણ આપી શકે છે.






