અમદાવાદમાં શીલજ તળાવ પાસે આયુર્વેદિક ઔષધિવન બનાવવાની જાહેરાત…

0
301

અમદાવાદઃ શહેરની ઓળખ આજે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ હેરીટેજ સિટી તરીકે કરવામાં આવે છે. અમદાવાદ શહેર વિકાસની અનેક ઉંચાઇઓ આંબી રહ્યુ છે. ત્યારે વધુ એક મોરપિંછ અમદાવાદ શહેરમાં ઉમેરવા જઇ રહ્યું છે.અમદાવાદ શહેરના શીલજમાં 50 હજાર ચોમી જગ્યામાં કેવડિયા જેવું જ અમદાવાદ પ્રથમ આરોગ્ય વન નિર્માણ થવા જઇ રહ્યું છે. આરોગ્ય વનમાં માનવ શરીરના વિવિધ અંગ માટે ઉપયોગી આર્યુવેદિક રોપાનો ઉછેર કરવામાં આવશે. આર્યુવેદમાં દર્શાવવામાં આવેલી ઔષધિ અહીં રાખવામાં આવશે.અમદાવાદ મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટે જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં બનાવવામાં આવેલા આરોગ્ય વનની થીમ આધારિત ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. આ જ પ્રકારની થીમ સાથે અમદાવાદ શહેરના શીલજ વિસ્તારમાં આવેલા વિશાળ તળાવ પાસે 50 હજાર ચોમી વિસ્તારમાં અંદાજિત 8 કરોડથી વધુ ખર્ચે આરોગ્ય વન નિર્માણ થઇ રહ્યું છે. જેમાં મુખ્યત્વે આયુષ માનવની પ્રતિકૃતિ અને માનવ જીવનના સ્વાસ્થ્ય માટે ઉપયોગી વનસ્પતિ અને ફુલ છોડ તેમજ વૃક્ષો લગાવામાં આવશે.’શીલજ સર્કલથી શીલજ ગામ તરફના રોડને સમાંતર શીલજ તળાવમાં આયુષ માનવ થીમ આધારિત મનુષ્યના શરીરના અંગોને અનુરુપ વિવિધ જાતોના આર્યુવેદિક રોપા દ્વારા સમગ્ર આરોગ્ય વન તૈયાર કરવામાં આવશે. આરોગ્ય વનનો આકર્ષક મુખ્ય પ્રવેશદ્વાર હશે. અંદાજિત 350 મીટર લંબાઇનો વોક વે, અદ્યતન બેઠક વ્યવસ્થા, હયાત ટ્રી લાઇનને ધ્યાનમાં રાખી આરોગ્ય વન ડેવલપમેન્ટ ઉપરાંત વિવિધ જાતોના ફૂલ-છોડ તેમજ મોટા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે.આરોગ્ય વનમાં ઔષધિ તરીકે વપરાતી અશ્વગંધા, અરડૂસી, અર્જૂન(સાદડ) કરમદા, કરંજ સહિતાના 32 પ્રકારની વનસ્પતિનો ઉછેર કરવામાં આવશે. તેમજ લોકો આ વનસ્પતિની ઔષધિ તરીકે ઉપયોગ પણ કરી શકશે. આ ઉપરાંત સામાન્ય માણસ ઔષધિ અંગે જાણકારી પણ મેળવી શકશે.