ઉત્તર ગુજરાત સિવાય આખા રાજ્યમાં રેડ એલર્ટ….

0
121

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો, જ્યારે પંચમહાલના મોરવા (હડફ) તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. વિશ્વામિત્રી નદીનું સ્તર વધતા વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લોકો ઘરોમાં પૂરાઈ ગયા છે અને રોડ પર હોડીઓ ફરતી થઈ છે. એટલું જ નહીં, રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે રેલવે વ્યવહારને અસર થઈ છે અને અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. અમદાવાદમાં સતત બીજા દિવસે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. સુરતમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે. તાપી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. રાજકોટના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. છોટા ઉદેપુરમાં ભારજ નદી પર આવેલા શિહોદ બ્રિજના બે ટુકડા થઈ જતાં વાહન વ્યવહાર બંધ થયો છે.રાજ્યમાં બે દિવસથી વરસાદ જામ્યો છે. સોમવાર બાદ મંગળવારે પણ અનેક જિલ્લાઓમાં વરસાદ ચાલુ છે. IMD દ્વારા આજે ઉત્તર ગુજરાત સિવાય આખા રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યના ચરોતર વિસ્તાર એટલે કે, સમગ્ર આણંદ જિલ્લામાં પણ ગત ૨૪ કલાકમાં રાજ્યનો સૌથી વધુ 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ પંચમહાલ જિલ્લામાં 9 ઈંચથી વધુ, જ્યારે, ખેડા અને મોરબી જિલ્લામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આજે સવારે 6 થી 10 કલાક સુધીમાં રાજકોટના લોધિકા અને રાજકોટ તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ વરસ્યો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર તરફથી મળેલા અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં આણંદના બોરસદ, ખંભાત, તારાપુર અને આણંદ તાલુકામાં, વડોદરાના પાદરા અને વડોદરા તાલુકામાં, પંચમહાલના ગોધરામાં અને મોરબીના વાંકાનેર તાલુકામાં 12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાથે જ આણંદના સોજીત્રા અને પેટલાદ, કચ્છના માંડવી અને નખત્રાણા, ખેડાના વાસો, મહીસાગરના બાલાસિનોર તેમજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકા ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકામાં 9 ઈંચથી વધુ વરસાદ થયો છે.

વધુમાં, ખેડાના ગળતેશ્વર, મહુધા અને મહેમદાવાદ તાલુકા સહિત જામનગરના કાલાવડ, પંચમહાલના શહેરા, મહીસાગરના સંતરામપુર, અરવલ્લીના મેઘરજ તેમજ અમદાવાદના ધોળકા તાલુકામાં 8 ઇંચ વરસાદ સાથે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે.