કાશ્મીરમાં એપ્રિલના અંતમાં ઉંચા પહાડો પર હિમવર્ષા…..

0
225

કાશ્મીરમાં એપ્રિલના અંતમાં અભૂતપૂર્વ હવામાન જોવા મળી રહ્યું છે. દેશના બાકી ભાગમાં જ્યાં લૂ વરસી રહી છે. તો બીજી તરફ કાશ્મીરના ઉંચા પહાડો પર હિમવર્ષા થઇ રહી છે.ગુલમર્ગ કાશ્મીરના શ્રેષ્ઠ પર્યટન સ્થળોમાંનું એક છે. અહીંનું હવામાન એપ્રિલમાં જાન્યુઆરી જેવું છે. ગુલમર્ગમાં છેલ્લા ત્રણ દિવસથી સતત હિમવર્ષા થઈ રહી છે. ઘાસથી લઈને પાઈન વૃક્ષોની ટોચ સુધી, બધું બરફની સફેદ ચાદરમાં ફેરવાઈ ગયું છે.ગુલમર્ગ માટે આ અસામાન્ય હવામાન છે. આ ત્યાં વસંતનો સમય છે અને આ દિવસોમાં ત્યાં લીલું ઘાસ, સુંદર ફૂલો અને ઠંડી હવા હોવી જોઈએ. પરંતુ આ દિવસોમાં ત્યાં હિમવર્ષા જોવા મળી રહી છે. લોકો તેનો આનંદ માણી રહ્યા છે પરંતુ તેમનામાં ડર પણ ઉભો થયો છે.સામાન્ય રીતે ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનામાં કાશ્મીરમાં ભારે હિમવર્ષા થતી હતી. પરંતુ આ વર્ષે પહાડોથી લઈને શહેરો સુધી શુષ્ક વાતાવરણ જોવા મળ્યું છે. જ્યારે હવે એપ્રિલમાં જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા અને વરસાદ જોવા મળી રહ્યો છે.